લંડનઃ ભારતીય હાઈ કમિશને ઈન્ડો-બ્રિટિશ ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રૂપના સહયોગમાં શીખ ધર્મના ૧૦મા ધર્મગુરુ ગુરુ ગોવિંદસિંહજીની ૩૫૦મી જન્મજયંતીએ સાત ડિસેમ્બરે હાઉસ ઓફ કોમન્સમાં સેમિનારનું આયોજન કર્યું હતું. સમગ્ર દેશના ગુરુદ્વારાઓ અને શીખ કોમ્યુનિટીની સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપરાંત, શીખ અગ્રણીઓ, પાર્લામેન્ટના સભ્યો, કાઉન્સિલર્સ અને ગ્રેટર લંડન ઓથોરિટીના સભ્યો પણ ‘Life and teachings of Shri Guru Gobind Singhji’ સેમિનારમાં ઉપસ્થિત રહ્યા હતા.
ઈલિંગ, સાઉથોલના સાંસદ અને ઈન્ડો-બ્રિટિશ ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રૂપના ચેરપર્સન વિરેન્દ્ર શર્માએ માનવતાને ગુરુજીના પ્રદાનની ઉજવણી પેલેસ ઓફ વેસ્ટમિન્સ્ટરમાં કરવામાં અગ્ર ભૂમિકા ભજવવા બદલ હાઈ કમિશનર વાય.કે. સિંહાનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે દસમા શીખ ગુરુના ઉપદેશોએ યુકેના યુવાનોમાં વિશેષ રસ ઉભો કર્યો છે. આ વિશિષ્ટ વર્ષમાં શ્રેણીબદ્ધ સ્મરણાત્મક પ્રસંગોના આયોજનની હાઈ કમિશનની પહેલને તેમણે બિરદાવી હતી. તેમણે ૧૯૧૯ના જલિયાવાલા બાગ નરસંહાર બદલ બ્રિટિશ સરકાર માફી માગે તેવા તેમના અભિયાનમાં સાથ આપવા માગણી કરી હતી.
હાઈ કમિશનર સિંહાએ ગુરુ ગોવિંદસિંહજીના જીવનની ઉજવણી અર્થે સેમિનારમાં આવલા બદલ સહુનો આભાર માની કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રી પટના સાહિબ ખાતે ઉજવણીઓને લીલી ઝંડી ફરકાવી પછી સંખ્યાબંધ કાર્યક્રમો યોજાયા હતા. એપ્રિલમાં મોટા પાયા પરના વૈશાખી ફેસ્ટિવલમાં ૨૦,૦૦૦થી વધુ લોકોએ હાજરી આપી હતી. તેમણે કહ્યું હતું કે ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ કલ્ચરની નાણાકીય સહાય સાથે હાઈ કમિશને લંડનની બહાર અનેક શહેરોમાં નાટકો અને ભક્તિસંગીત કાર્યક્રમોનું આયોજન કર્યું હતું.
યુકેની પાર્લામેન્ટમાં પ્રથમ પાઘડીધારી શીખ સાંસદ તનમનજિત સિંહ ધેસી અને સાંસદ મિસ રુથ કેડબરીએ સેમિનારના આયોજનને બિરદાવ્યું હતું. પ્રોફે. મોહિન્દર સિંહ બેદી, હરજિન્દર સિંહ ઠેકેદાર (મિરી પૂરી ગુરુદ્વારાના પ્રમુખ), ચરણ કમલ શેખોં (સેવા ટ્રસ્ટ યુકે), અનિલ મહેતા (ડેપ્યુટી એડવોકેટ જનરલ, હરિયાણા), હરબિન્દર સિંહ (ડાયરેક્ટર મહારાજા દુલિપસિંહ ટ્રસ્ટ અને એંગ્લો-શીખ હેરિટેજ ટ્રેઈલ), રાજિન્દર સિંહ ભાસીન (શેફર્ડ બુશ ગુરુદ્વારાના પ્રમુખ), ડો. ઓમકાર સહોતા (ગ્રેટર લંડન ઓથોરિટીના એસેમ્બલી મેમ્બર), મનોજ જોશી (યોર્કશાયર શીખ ફોરમના પ્રતિનિધિ), રેમી રેન્જર અને સુરિન્દર સિંહ સોહલ (રામગઢીઆ સભા, સાઉથોલ) સહિતના અગ્રણીઓએ પ્રવચન કર્યું હતું.