લંડનઃ દાઉદના સાથી અને પાકિસ્તાનના મૂળ વતની જબીર મોતીને જામીન આપવા વેસ્ટમિન્સ્ટર કોર્ટે ઈનકાર કર્યો છે. આ ઉપરાંત, તેના સંબંધિત કોઈ સમાચાર પ્રકાશિત કે પ્રસારિત કરવા પર પ્રતિબંધ લાદવાની અરજી પણ કોર્ટે ફગાવી હતી. કોર્ટે મોતીને ડી કંપનીનો મુખ્ય અપરાધી ગણાવ્યો હતો.
કોર્ટે ખાતરી આપી હતી કે તેના સરનામાને જાહેર કરાતું અટકાવાશે. તેના પર બ્રિટનમાં ડ્રગ્સની તસ્કરી સહિત અનેક નાના મોટા અપરાધો તેમજ અમેરિકામાં મનીલોન્ડરિંગના પણ અનેક કેસ પેન્ડિંગ છે. બ્રિટનમાં દાઉદ ઇબ્રાહીમની અનેક સંપત્તિ છે જેની દેખરેખ પણ આ મોતી રાખતો હોવાની શંકા છે. દાઉદના મોટા ભાગના નાણાકીય વ્યવહારો જબીર સંભાળી રહ્યો છે. અમેરિકાએ બ્રિટન સમક્ષ તેના પ્રત્યાર્પણની પણ માગણી કરી છે. ભારત પણ હાલ દાઉદની બ્રિટનસ્થિત સંપત્તિની જપ્તી માટે પ્રયાસો કરી રહ્યું છે અને બ્રિટિશ સરકાર સાથે તે મુદ્દે વાતચીત ચાલી રહી છે.