લંડનઃ ડ્રોનને લીધે ગેટવિક એરપોર્ટ પર ખોરવાઈ ગયેલા વિમાની વ્યવહારની ઘટનામાં એક નિર્દોષ દંપતીને ૩૬ કલાક સુધી અટક હેઠળ રાખવા બદલ સસેક્સ પોલીસ પર ડરાવી ધમકાવીને તપાસ કરવાનો આક્ષેપ મૂકાયો હતો.
૪૭ વર્ષીય વિન્ડો ફીટર પોલ ગેટ અને તેમના ૫૪ વર્ષીય પત્ની એલેન કીર્ક પાસે નિર્દોષ હોવાના નક્કર પૂરાવા હોવા છતાં તેમને હેરાન કરાયા હોવાનો આક્ષેપ છે. લોકો પાસેથી મળેલી બાતમીના આધારે પોલીસે એરપોર્ટ વિસ્તારમાં ડ્રોન ઉડાડવાની શંકાને આધારે તેમની ધરપકડ કરી હતી. જોકે, પાછળથી તેમને છોડી મૂકાયા હતા.
ગેટના બોસ જહોન ગેલાર્ડે પોતાના કર્મચારી નિર્દોષ હોવાની જાણ કરવા માટે પોલીસને ત્રણ દિવસ સુધી ફોન કર્યા હતા. જોકે, ફોન ઉઠાવીને વાતચીત ન કરવા બદલ તેમણે પોલીસની ટીકા કરી હતી.