લંડનઃ સરકારે કેલાઈસ માઈગ્રન્ટ કટોકટીને અનુલક્ષી યુકેમાં ગેરકાયદે રહેતાં ઈમિગ્રન્ટ્સ સામે સખત કાર્યવાહી કરવા કવાયત આરંભી છે. ગેરકાયદે વસાહતીઓ માટે બ્રિટનમાં રહેવાનું મુશ્કેલ બનાવવા માટે નવી યોજના અનુસાર કોર્ટના ઓર્ડર વિના પણ આવા વસાહતીને ભાડાની પ્રોપર્ટીઝમાંથી બહાર હાંકી કાઢવાનું શક્ય બનશે. આ ઉપરાંત, ભાડૂતના ઈમિગ્રેશન દરજ્જાની તપાસમાં નિષ્ફળ રહેલા મકાનમાલિકને પણ પાંચ વર્ષની જેલની સજાનો સામનો કરવો પડશે. વડા પ્રધાન ડેવિડ કેમરને કહ્યું હતું કે કેલાઈસ પોર્ટથી લોકોનાં ટોળાને યુકેમાં પ્રવેશતા અટકાવવામાં કોઈ કચાશ નહીં રખાય. ચેનલ ટનલના ફ્રાન્સ તરફના પ્રવેશના રક્ષણ માટે નવી ફેન્સ (વાડ) પણ તૈયાર થઈ જશે.
હોમ સેક્ર્ટરી થેરેસા મેએ ગેરકાયદે માઈગ્રન્ટ્સ માટે ચેતવણી ઉચ્ચારતાં જણાવ્યું હતું કે, ‘બ્રિટનની શેરીઓ સોનાથી મઢેલી નથી. સરકાર કાયદામાં ફેરફાર કરીને મકાનમાલિકો કોર્ટના હુકમ વિના પણ ગેરકાયદે ઈમિગ્રન્ટ્સને હાંકી કાઢે તેવી જોગવાઇ કરાશે.’ ભાડૂતનું ઈમિગ્રેશન સ્ટેટસ ચકાસવાની કાયદાકીય જોગવાઇનું પાલન કરવામાં નિષ્ફળ મકાનમાલિકોને ભારે દંડ અથવા પાંચ વર્ષ કેદની સજાની જોગવાઈ નવા ઈમિગ્રેશન બિલમાં કરાશે. તેમની સામે પ્રોસિડ્સ ઓફ ક્રાઈમ એક્ટ હેઠળ પગલાં પણ લેવાશે.
કમ્યુનિટી’સ સેક્રેટરી ગ્રેગ ક્લાર્કે જણાવ્યું હતું કે કાયદાપાલનમાં સતત નિષ્ફળ મકાનમાલિકો અને પ્રોપર્ટી ભાડે અપાવતાં એજન્ટોનું બ્લેક લિસ્ટ તૈયાર કરાશે, જેથી કાઉન્સિલો એન્ફોર્સમેન્ટ કાર્યવાહી પર ધ્યાન કેન્દ્રિત કરી શકે. આવા મકાનમાલિકોને સબ-સ્ટાન્ડર્ડ પ્રોપર્ટીઝ ભાડે આપતા પણ અટકાવાશે.
બીજી તરફ, હોમ ઓફિસે સ્પષ્ટ કર્યું છે કે આશ્રયની અરજીઓ નકારાયા પછી પરિવારોને બેનિફિટ્સનો અધિકાર આપમેળે બંધ કરી દેવાની તેની યોજના છે. હોમ ઓફિસ મિનિસ્ટર જેમ્સ બ્રોકેનશાયરે આ પગલાના બચાવમાં સ્પષ્ટ કર્યું હતું કે યુકે ‘દૂધ અને મધની ભૂમિ નથી’ તે દર્શાવવાનો હેતુ છે. આ બિલ અંતર્ગત ભાડૂત યુકેમાં રહેવાનો અધિકાર ધરાવતો ન હોવાની નોટિસ હોમ ઓફિસ દ્વારા અપાયા પછી મકાનમાલિકોએ ગેરકાયદે ઈમિગ્રન્ટ્સને મકાન ખાલી કરાવવું પડશે. કેટલાંક કેસમાં તેમને કોર્ટ ઓર્ડરની પણ જરૂર નહીં રહે.
‘રાઈટ ટુ રેન્ટ’ યોજના હેઠળ મકાનમાલિકોએ ભાડૂતના દરજ્જાની ચકાસણી કરવા તેમના પાસપોર્ટ અથવા બાયોમેટ્રિક રેસિડન્સ પરમિટ તપાસવાની રહે છે. અત્યારે વેસ્ટ મિડલેન્ડ્સમાં અમલી આ યોજના સમગ્ર દેશમાં લાગુ કરાશે.