લંડનઃ જો આગામી ચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટીની સરકાર બનશે તો હોમ સેક્રેટરી થેરેસા મે ‘ડિપોર્ટ ફર્સ્ટ, અપીલ લેટર’ની યોજના અમલી બનાવશે. તેઓ ઈમિગ્રન્ટ્સ દ્વારા અપીલો અને જ્યુડિશિયલ રીવ્યુઝનો ઉપયોગ કરી બ્રિટનમાં રોકાણ લંબાવવાના કૌભાંડનો અંત લાવવા માગે છે. કન્ઝર્વેટિવ પાર્ટીના મેનિફેસ્ટોમાં આ મુદ્દો સ્પષ્ટ કરાશે. બ્રિટનમાં ૧૦ લાખ ગેરકાયદે ઈમિગ્રન્ટ્સ રહેતાં હોવાનો અંદાજ છે.કન્ઝર્વેટિવ પાર્ટી ડિપોર્ટેશન કાયદાઓમાં ધરમૂળ પરિવર્તન લાવી ગેરકાયદે ઈમિગ્રન્ટ્સને અપીલ કરવાની તક મળે તે પહેલા જ તેમને વિમાનમાં બેસાડી દેશનિકાલ કરવા માગે છે. હજારો લોકો અપીલો કરી અને ન્યાયિક સમીક્ષાઓ માગી તેનો નિકાલ ન આવે ત્યાં સુધી મહિનાઓ અથવા ઘણી વખત વર્ષો સુધી બ્રિટનમાં રોકાણ લંબાવે છે. આ નિયમો વિઝાની મુદત પૂર્ણ થઈ હોય કે પરવાનગી વિના બ્રિટનમાં રહેતા લોકોને લાગુ પડશે. જોકે, આ નિયમોમાં એસાઈલમ માગનારા અથવા જે લોકોને તેમના જોખમકારી વતન પરત મોકલાય તો અપરિવર્તનીય નુકસાન સહન કરવું પડે, તેમને અપવાદ ગણાશે.આમ છતાં, માઈગ્રન્ટ્સ અપીલ કરી શકશે, પરંતુ પોતાના વતનમાં જઈને જ અપીલ કરવાની રહેશે. આ નિયમોના કારણે ઘણાં ઓછાં લોકો અપીલ સિસ્ટમનો ઉપયોગ કરશે. ગેરકાયદે ઈમિગ્રન્ટ્સને ઈમિગ્રેશન સેન્ટર્સમાં રાખવા અથવા તેમના રહેઠાણના નાણા ચુકવવાનો ખર્ચ બ્રિટિશ કરદાતાઓના શિરે આવતો બચી જશે. ડેવિડ કેમરન ઈમિગ્રેશનમાં કાપ મૂકવા અંગે મક્કમ છે. તાજેતરમાં ઈમિગ્રેશન વધવાથી પાર્ટી હવે વધુ ગેરકાયદે ઈમિગ્રન્ટ્સને ઘરભેગાં કરીને લક્ષ્યાંક હાંસલ કરવા ઈચ્છે છે.