લંડનઃ ગેરકાયદે નાણા ધીરધારનો બિઝનેસ ચલાવતા હેરોના ડોક્ટર અરજણ દામજીભાઈ સવાણી જેલની સજામાંથી બચી ગયા હતા. સેન્ટ્રલ મિડલસેક્સ અને નોર્થવિક પાર્ક હોસ્પિટલ્સમાં કન્સલ્ટન્ટ તરીકે કામ કરતા ૪૯ વર્ષીય ડો. સવાણીએ ગેરકાયદે મની લેન્ડિંગ બિઝનેસના ગુનાની કબૂલાત કરી હતી. તેણે જાન્યુઆરી ૨૦૧૧થી ડિસેમ્બર ૨૦૧૫ના ગાળામાં હોસ્પિટલના સાથી કર્મચારીઓને ૧ મિલિયન પાઉન્ડથી વધુ રકમ ધીરી હતી.
કોર્ટ સમક્ષ જણાવાયું હતું કે ડો. સવાણી તેમના નોકરીના સ્થળોએથી સુઆયોજિત અને નફાકારક બિઝનેસ ચલાવતા હતા. તેમના ઘરની તપાસ દરમિયાન મળેલાં લોન રેકોર્ડ્સથી જાણી શકાયું હતું કે તેમણે ૮૮૦,૭૦૦ પાઉન્ડથી વધુ રકમો મેળવી હતી. ડો. સવાણીએ છેક ૨૦૧૧થી પોતાના ગ્રાહકોને ૫૦૦થી ૫૦,૦૦૦ પાઉન્ડ સુધીની રકમો લોનપેટે આપી હોવાની કબૂલાત કરી હતી. તેણે કહ્યું હતું કે આ કામ ગેરકાયદે હોવાની તેને જાણ હતી પરંતુ, લાઈસન્સ મેળવવામાં લાંબો સમય જાય તેમ હતું.
પ્રોસિક્યુટર સિમોન મોર્ટિમેરે કહ્યું હતું કે ડો. સવાણીએ ઈરાદાપૂર્વક હોસ્પિટલમાં કામ કરતા ફિલિપિન કોમ્યુનિટીના લોકોને લોનજાળમાં ફસાવ્યા હતા. તેમણે ૯૦થી વધુ લોકોને ૨૭૦થી વધુ લોન આપી હતી, જેના વ્યાજ પેટે ૨૮૦,૩૦૦ પાઉન્ડથી વધુ રકમ મેળવી હતી. કોર્ટ સમક્ષ જણાવાયું હતું કે ડોક્ટરે નાણા ધીરધાર બિઝનેસમાંથી પ્રાપ્ત આવક HMRCસમક્ષ જાહેર કરી ન હતી.