લંડનઃ લેબર પાર્ટીએ તેના ટ્રોટસ્કીવાદી સભ્ય ગેરી ડાઉનિંગની પક્ષમાંથી હકાલપટ્ટી કરી છે. તેમણે ૧૧ સપ્ટેમ્બરના હુમલાખોરોને કદી વખોડવા ન જોઈએ તેવો મત વ્યક્ત કરી પક્ષનો રોષ વહોરી લીધો હતો. આના પરિણામે ગેરીને દૂર કરવા જેરેમી કોર્બીન પર દબાણ વધી ગયું હતું.
સોશિયાલિસ્ટ ફાઈટના સભ્ય ગેરી ડાઉનિંગે ગયા ઉનાળામાં પોતાના વિચારો ઓનલાઈન વ્યક્ત કર્યા ત્યારે પણ તેમને પક્ષમાંથી દૂર કરાયા હતા. જોકે, તેમને નવેમ્બરમાં પુનઃ પક્ષમાં લેવાયા હતા. બે મહિના પછી તેમણે સોશિયાલિસ્ટ ફાઈટના બ્લોગમાં ૯/૧૧ના આત્મઘાતી બોમ્બર્સ માટે સમજી શકાય તેવી પ્રેરણાનું વર્ણન કરી આત્મઘાતીઓને કદી વખોડવા ન જોઈએ તેમ જણાવ્યું હતુ. હાઉસ ઓફ કોમન્સમાં વડા પ્રધાન કેમરને પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો.