લંડનઃ નોકરી-ધંધામાં જોડાયેલાં ૨૦ લાખથી વધુ પેરન્ટ્સને બાળસંભાળમાં તેમના જ પેરન્ટ્સની મદદનો આધાર રહે છે. ચેરિટી ગ્રાન્ડપેરન્ટ્સ પ્લસના નવા અભ્યાસમાં પાંચમાંથી એક પેરન્ટ્સે જણાવ્યા અનુસાર જો આવી મદદ ન મળતી હોય તો તેમને ફરજિયાત ઘેર રહેવું પડે. જ્યારે ગ્રાન્ડપેરન્ટ્સની સહાય વિના છમાંથી એક પેરન્ટ્સે કામકાજના કલાકો ઓછાં કરવા પડે તેમ જણાવ્યું હતું.
બ્રિટનમાં નર્સરી અને બાળકોની સંભાળ રાખનારાઓની ફીમાં ધરખમ વધારો તેમ જ ઘરમાં રહેતી માતાઓ કામકાજ કરતી થવાનું પ્રમાણ વધતાં લોકો ગ્રાન્ડપેરન્ટ્સ પર વધુ આધાર રાખતા થયાં છે. સંશોધનનો અંદાજ છે કે યુકેમાં ડોમેસ્ટિક મોરચે સંતાનોની મદદમાં આવીને ગ્રાન્ડપેરન્ટ્સ દર વર્ષે પરિવારોને બાળસંભાળના ખર્ચમાં £૧૧ બિલિયનની બચત કરે છે. બાળકો માટે પ્રતિબંધ ફરમાવતી હોટેલો અને રીસોર્ટ્સમાં શાળાઓમાં ઉનાળાના વેકેશન પછી પેન્શનરોના બુકિંગમાં ભારે વધારો થતો હોવાનું ટ્રાવેલ એજન્સીઓ કહે છે. યુકેમાં ૫૫ વર્ષથી વધુ વયના લોકોમાં અડધા જેટલા લોકો તેમના સંતાનોને બાળસંભાળમાં કોઈ પ્રકારે નિયમિત ટેકો આપતા હોય છે. કેટલાંક ગ્રાન્ડપેરન્ટ્સ પોતે કામ કરતા હોવાં છતાં આવી મદદ કરે છે.
ગ્રાન્ડપેરન્ટ્સ પ્લસ સંસ્થા નાના બાળકોના પેરન્ટ્સને વર્ષમાં ચાર સપ્તાહની વેતન વિનાની રજા લઈ શકે તેના નિયમો હળવા કરવાની માગણી કરે છે, જેથી તેમના પોતાના માતાપિતા કામ કરતા હોય તેમને આ અધિકાર આપી શકે.
વર્કિંગ પેરન્ટ્સને પ્રશ્ન કરાયો હતો કે તેમના માતાપિતા બાળસંભાળમાં મદદ કરી શકે નહિ તો તેઓ શું કરશે. આ સામે ૨૧ ટકાનો પ્રતિભાવ એવો હતો કે તેઓ વધુ ખર્ચાળ બાળસંભાળ માટે નાણાં ઉભા કરશે. જોકે, ૧૯ ટકાએ જણાવ્યું હતું કે તેમણે કામ છોડી દેવાની ફરજ પડશે. યુકેમાં આશરે ૧૦.૮ મિલિયન વર્કિંગ પેરન્ટ્સ છે, જેમાં બન્ને પેરન્ટ્સ નોકરી કરતા હોય તેવા ચાર મિલિયન પરિવારનો પણ સમાવેશ થાય છે.