લંડનઃ પશ્ચિમ લંડનમાં ૨૭ માળના ગ્રેનફેલ ટાવરમાં લાગેલી ભીષણ આગનો ભોગ બનેલાઓનો આંકડો વધીને ૧૭ થયો છે. જ્યારે ૭૫થી વધુ લોકોને ઈજા થઈ છે, જેમાંથી ૧૮ લોકોની હાલત અતિ ગંભીર છે. આશરે ૧૦૦થી વધારે લોકો લાપતા હોવાથી સત્તાધિશો મૃત્યુ આંક હજુ પણ વધવાની શક્યતા નકારતા નથી. ટાવરના ૨૩મા માળે આવેલા એક ફ્લેટમાં ફ્રીઝમાં બ્લાસ્ટ થયા બાદ આગ ફાટી નીકળી હોવાનું પ્રાથમિક અનુમાન થઇ રહ્યું છે. જોકે ફાયર બ્રિગેડ અને સ્થાનિક તંત્ર જણાવે છે કે, આગ લાગવાનું કોઈ નક્કર કારણ હજી જાણવા મળ્યું નથી. સ્થાનિક સમય પ્રમાણે મંગળવારે મધરાતે એક વાગ્યે ફાટી નીકળેલી આગે જોતજોતમાં સમગ્ર ટાવરને ઝપટમાં લઈ લીધું હતું.
સૂત્રો અને ઘટનાને નજરે જોનારાઓએ જણાવ્યું કે, કેટલાક લોકોએ પોતાના બાળકોને દસમા માળેથી નીચે ફેંક્યા હતાં. તો કેટલાક આગથી બચવા માટે જાતે કૂદી પડ્યા હતા. આ કારણસર ઈજાગ્રસ્તોની સંખ્યામાં વધારો થયો હતો. ઘણા લોકોએ બેડશિટ્સ અને ધાબળા ઓઢીને અગનજ્વાળાઓ વચ્ચેથી બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હતો. તો ઘણા લોકોએ બારીઓમાંથી બૂમો મારીને મદદ માટે લોકોને બોલાવ્યાં હતાં. જોકે તે સમયે આગ એટલી ભીષણ હતી કે ત્યાં પહોંચવું અશક્ય હતું. આગ લાગ્યાની જાણકારી આપતો ફોન આવ્યાની માત્ર છ મિનિટમાં ૨૦૦ જેટલા ફાયર ફાઇટર્સ ત્યાં પહોંચી ગયા હતા, પણ આગ એટલી ભીષણ હતી કે ટાવરની નજક જવું કે અંદર પ્રવેશવું જીવલેણ સાબિત થાય તેમ હતું. આ સંજોગોમાં ફાયર ફાયટર્સ માટે દૂર ઉભા રહીને પાણીનો મારો ચલાવવા સિવાય શરૂઆતમાં કોઈ વિકલ્પ નહોતો.
એનએચએસે જણાવ્યું હતું કે, હાલ તેઓ ૭૪ લોકોની સારવાર કરી રહ્યા છે. અનેક લોકોને હાડકાં તૂટવા, વાગવું સહિતની ઈજાઓ થઈ છે. કેટલાક લોકો ગંભીર રીતે દાઝેલા છે. ઘણાને શ્વાસમાં ધુમાડો જવાની ગૂંગળામણ પણ થઇ છે. આમાંથી કેટલાક લોકોની હાલત ગંભીર છે. બીજી તરફ પોલીસ એમ જણાવે છે કે ૭૫ જેટલાં લોકોને જ સામાન્ય ઈજાઓ થઈ છે.
ઓછામાં ઓછાં ૧૦૦નાં મોત?
ઘટનાને નજરે જોનારા એક સામાજિક કાર્યકરે દાવો કર્યો હતો કે, આગ એટલી ભયાનક હતી કે ઉપરનાં ત્રણ માળમાં કશું જ બચ્યું નહીં હોય. તંત્ર દ્વારા ભલે મૃતાંક જાહેર કરવામાં આવતો ન હોય, પણ ઓછામાં ઓછાં ૧૦૦ લોકો મૃત્યુ પામ્યા હશે. ટાવરના સૌથી ઉપરના ત્રણ માળમાં તો એક પણ વ્યક્તિ જીવતી નહીં હોય તેવી તેણે શંકા વ્યક્ત કરી છે. આગ થોડી અંકુશમાં આવી પછી લોકો બહાર આવ્યાં હતાં. ઘણા લોકોને ઈજા થઈ હતી. ઘણાના હાથ-પગ તૂટ્યા હતા અને ઘણાં ધુમાડાને કારણે ગૂંગળાયેલાં જણાતાં હતા. મોડી રાત્રે આગ લાગી હોવાથી ઘણાબધાં લોકો તેમા ફસાઈ ગયાં હતાં. એક તરફ આગને કારણે લોકો ઘરમાંથી નીકળી શકે તેમ નહોતાં તો બીજી તરફ જે લોકોને ભાગવાનો મોકો મળ્યો હતો તેમના રસ્તામાં આગ વિલનની જેમ ઊભી હતી. તેમની પાસે પોતાનાં ઘરમાં ભરાઈ રહેવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો.
અને દસમા માળેથી બાળક ફેંકાયું...
કેટલાક સાક્ષીઓએ જણાવ્યું કે, આ ગ્રેનફેલ ટાવરના ૧૨૦ ફ્લેટોમાં ૬૦૦ જેટલા લોકો રહેતા હતાં. બાળકોની તીણી ચીસોથી વાતાવરણ કરુણા અને ગ્લાનિથી ભરાઈ ગયું હતું. દસમા માળે બારીમાંથી ડોકાતી એક વ્યક્તિના હાથમાં નાનું બાળક હતું. તેના ચહેરા પર ભારે વ્યથા હતી. આગથી ભડભડ બળતા ૨૭ માળના એપાર્ટમેન્ટમાથી બચવાનો એક માત્ર માર્ગ દાદર હતો. એ પણ કાટમાળ પડવાથી બ્લોક થઇ ગયો હતો. એ વ્યક્તિની મથામણ એ હતી કે હાથમાં રહેલું બાળક નીચે ફેંકવું કે નહીં. ભયંકર માનસિક અવઢવમાં એ વ્યક્તિ ફસાયેલી હતી. આખરે એણે એની જિંદગીનો સૌથી કપરો નિર્ણય લઈ જ લીધો. તે વ્યક્તિએ હાથમાં પકડેલાં બાળકનાં ચહેરા પર અંતિમ વહાલ વરસાવતી હોય તેમ ધીરેથી પપ્પી કરી અને પછી બાળકને દસમા માળેથી નીચે ફેંકી દીધું. નીચે ૬૦૦ વ્યક્તિઓ હાથ ઊંચા કરીને, ક્લોથ બેગ્સ ફેલાવીને ઊભી હતી - એ બેબીને ઝીલવા. સદ્ભાગ્યે રેસ્ક્યુ ટીમના એક સભ્યના હાથમાં આ બાળક ઝીલાઈ ગયું હતું. બાળક એકદમ હેમખેમ હતું. દસમા માળની બારીએ ઊભેલી એ વ્યક્તિએ આ દૃશ્ય જોયું તો તેના ચહેરા પર સંતોષ હતો - જાણે કે હવે પોતાનું મોત આવે તો પણ તેને કોઈ ગમ નથી. આ પછી એ વ્યક્તિ ટોળા સામે હાથ હલાવીને બારી પાસેથી અદૃશ્ય થઈ. આ વ્યક્તિ સંભવતઃ મૃત્યુ પામ્યાનું મનાય છે.
સોશિયલ મીડિયા ઉપર મદદનો પુકાર
ઘણા લોકોએ મદદ માગવા માટે સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ કર્યો હતો. ટાવરમાં ફસાયેલી એક મહિલાએ ટ્વિટ કર્યું હતું કે હું મારા ફલેટમાં ફસાઈ ગઈ છું. મારા ઘરમાં ધુમાડો ફેલાયેલો છે. મને ઝડપથી બચાવવા માટે મદદ મોકલો નહીંતર હું મૃત્યુ પામીશ. તેણે એક પછી એક ટ્વિટ કરીને ટાવરની અંદર પ્રવર્તતી સ્થિતિ અંગે માહિતી આપી હતી. તેણે ટ્વીટમાં જણાવ્યું હતું કે ‘લોકો મરી રહ્યાં છે, લોકો ફસાયા છે, લોકો બારીઓમાંથી કૂદી રહ્યાં છે, પણ હું ઘર છોડી શકું તેમ નથી.’
બીજી તરફ કેટલાક લોકો દ્વારા પોતાના લાપતા સ્વજનોને શોધવા માટે ફેસબુક, વ્હોટ્સ એપ અને અન્ય સોશિયલ મીડિયા ઉપર અભિયાન ચલાવાયું છે. અનેક સામાજિક સંસ્થાઓ, લોકો અને સેલેબ્સ દ્વારા પીડિતોને ભોજન, કપડાં, પાણી અને અન્ય મદદ પહોંચાડવામાં આવી રહી છે.