લંડનઃ છેક ૧૫૭૦થી લોખંડના વિશાળ ઘંટનું ઉત્પાદન કરતી વ્હાઈટચેપલ ફાઉન્ડ્રીનો મૃત્યુઘંટ વાગી જવાની શક્યતા છે. બિગ બેન અને ફિલાડેલ્ફીઆમાં લિબર્ટી બેલનું ઉત્પાદન કરનારી ફાઉન્ડ્રી લંડનના ઈસ્ટ એન્ડના પ્રીમાઈસીસમાં ૧૭૩૮થી કાર્યરત છે, પરંતુ ચાર પેઢીથી આ બિઝનેસ ચલાવતા પરિવારને ઘંટના વેચાણમાં ભારે ઘટાડાના લીધે ખોટ જાય છે અને તે આ જગ્યા વેચી બીજા બિઝનેસમાં ઝંપલાવવા માગે છે. જોકે, લંડનમાં આ પ્રકારની આખરી ફાઉન્ડ્રી બંધ ન કરાય તે માટે ઐતિહાસિક વારસાના રક્ષણવાદીઓ મેદાને પડ્યા છે.
રોયલ એકેડેમી ઓફ આર્ટ્સના ચીફ એક્ઝિક્યુટિવ ચાર્લ્સ સૌમારેઝ સ્મિથ અને સેવ બ્રિટ્સ હેરિટેજના ડિરેક્ટર હેનરિતા બિલિંગ્સ સહિત હેરિટેજ નિષ્ણાતોના નવા જૂથે આ ઐતિહાસિક પ્રીમાઈસીસને ગ્રેડ-ટુ બિલ્ડિંગના બદલે ગ્રેડ-૧માં મૂકવાની માગણી હિસ્ટોરિક ઈંગ્લેન્ડ સમક્ષ મૂકી છે. આનાથી જગ્યાના ડેવલપમેન્ટને વાંધો નહિ આવે પરંતુ, તેમાં કોઈ પણ ફેરફાર કરતા પહેલા મૂળ માલિકોની પરવાનગી આવશ્યક બને છે.
વ્હાઈટચેપલ ફાઉન્ડ્રીની જગ્યાનો સોદો મે મહિનામાં પૂર્ણ થવાનો છે ત્યારે તેના વર્તમાન માલિકો એલન અને કેથરીન હ્યુજીસને ભય છે કે આવી માગણી પછી જગ્યાની સૂચિત વેચાણકિંમતમાં ભારે ઘટાડો થઈ જશે અને તેમણે નાદારી પણ નોંધાવવી પડે તેવી સ્થિતિ આવી શકે. ફાઉન્ડ્રી બિઝનેસના ટાવર અને હાથબનાવટના ઘંટનું ઉત્પાદન કરતા સાધનો તેમજ બિગ બેનના ઉત્પાદનમાં વપરાયેલા જૂના ઉપકરણો મ્યુઝિયમ ઓફ લંડનને અપાઈ રહ્યા છે.