લંડનઃ યુવાનોને બચતનો કન્સેપ્ટ ઘર-પરિવાર માંડે અને આવક કરતાં ખર્ચા વધી જાય ત્યારે જ સમજાતો હોય છે. ખર્ચા વધી ગયા હોવાથી વધુ કમાણી કરવા છતાં બચત ઓછી થાય છે અને બચતનું યોગ્ય ઈન્વેસ્ટમેન્ટ ન થયું હોવાથી ઘડપણમાં જીવવા માટે બહુ ઓછી મૂડી બચે છે. જોકે બ્રિટનમાં થયેલા અભ્યાસનું તારણ કહે છે કે યુવાન ૨૫ વર્ષનો થાય ત્યારથી જ જો ફાઈનાન્સિયલ એડવાઈઝરની મદદ લઈને બચત અને રોકાણ કરવા લાગે તો તેનું ઘડપણ ‘સુધરી’ જાય છે. મોટા ભાગના લોકો ૩૫ વર્ષની વય આસપાસ ઘડપણ માટે ઈન્વેસ્ટમેન્ટ કરવાનું શરૂ કરે છે. જ્યારે ફાઈનાન્સિયલ એડવાઈઝરી કંપનીએ કરેલા અભ્યાસ મુજબ જે લોકો નાની ઉંમરે આર્થિક આયોજન માટે સલાહ લે છે તેઓ અન્ય લોકો કરતાં લગભગ બમણી રકમની બચત કરી શકે છે. ૩૫ વર્ષ પછી વ્યક્તિની બચત કરવાની ક્ષમતા ઘટે છે કેમ કે ખર્ચા વધ્યા હોય છે. ૪૦ વર્ષની ઉંમરે બચત માટે સલાહ લેવા જનારા લોકો વધુ બચત કરે તો પણ ઓછાં વર્ષો માટે બચત કરતા હોવાથી ઓછી બચત થાય છે અને વ્યાજ પણ ઓછું મળે છે.