નડિયાદઃ શહેર નજીકના ચકલાસી ગામના વતનીનું લંડનમાં કોરોનાને કારણે મૃત્યુ થયું છે. છેલ્લા ત્રણ દસકાથી લંડન સ્થાયી થયેલા ૬૧ વર્ષના પટેલ પરિવારના મોભી મોટી લીકર શોપ ધરાવતા હતા. ગત દિવસોમાં તેઓને કોરોના પોઝિટિવ આવતાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં ૨૧ દિવસ સુધી કોરોના સામે લડત આપવા છતાં તેમનું મૃત્યુ થતાં ચકલાસી ગામમાં રહેતા તેમના પરિવારજનો અને સમાજમાં દુઃખની લાગણી વ્યાપી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ચકલાસીની મુખ્ય પોસ્ટ ઓફિસ સામે આવેલી મોટો વાંટો ખડકીના મૂળ રહેવાસી જયંતિભાઈ ઉર્ફે વિરુભાઈ રાવજીભાઈ પટેલ છેલ્લા ૩૦ વર્ષોથી તેમના પરિવાર સાથે લંડનમાં સ્થાયી થયા છે. તેઓ પત્ની ભારતીબહેન અને પુત્રો શ્રેય તથા શિવમ સાથે લંડનના સ્ટેનમોર – હેરો વિસ્તારમાં રહેતા હતા અને હીથ્રો રેલવે સ્ટેશન નજીકના હંસલો વિસ્તારમાં લીકર સ્ટોર ચલાવતા હતા. ગત ૧૯ માર્ચના રોજ ૬૧ વર્ષીય જયંતિભાઈની તબિયત લથડતાં તેમને સારવાર અર્થે સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તેમને કોરોના પોઝિટિવ આવ્યો હતો.
આ પછી તેમને પ્રાથમિક સારવાર અપાઈ હતી અને ૨૧ દિવસ સુધી વેન્ટિલેટર પર રખાયા હતા, પરંતુ ૧૫ એપ્રિલના રોજ જયંતિભાઈની તબિયત વધુ કથળી હતી. ચકલાસીમાં રહેતા સંબંધીઓના જણાવ્યા અનુસાર તેમને કોઈ દવા અસર કરતી ન હતી. આથી ૧૫મી રાત્રે જ તેમનું અવસાન થયું હતું. આ સમાચારના પગલે ચકલાસીમાં રહેતા તેમના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.