ચાન્સેલર ઓસ્બોર્નનું ચૂંટણીલક્ષી બજેટઃ ટેક્સમાં રાહતની લહાણી

Saturday 21st March 2015 07:51 EDT
 
 

લંડનઃ ચાન્સેલર જ્યોર્જ ઓસ્બોર્ને આગામી ચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટીનો વિજય હાંસલ કરવા બજેટનો ઉપયોગ કર્યો છે. તેમણે ૧૮ માર્ચ, બુધવારના બજેટમાં લાખો વર્કર, બચતકારો, પેન્શનરો અને પ્રથમ વખત ઘર ખરીદનારાઓ માટે £૩૦૦૦ના પ્રોત્સાહન સાથે ટેક્સમાં રાહતના પગલાં જાહેર કર્યા છે. તેમની આગાહી છે કે વિકાસ ઊંચો રહેશે અને અપેક્ષા કરતા કરજ ઓછું રહેશે. કરકસરની નીતિ અપેક્ષા કરતા વહેલી પૂરી થશે. જોકે, ૨૦૧૬-૧૮ દરમિયાન સરકારી ખર્ચ દબાણ હેઠળ રખાશે. આયોજિત કાપનું પ્રમાણ જાહેર કર્યા કરતા ઘણું ઊંડુ રહેશે તેવી ચેતવણી નિષ્ણાતોએ આપી છે. ટેક્સ ન ભરવા કે ટાળવા માટે ઓફશોર એકાઉન્ટ્સનો ઉપયોગ કરતા ધનવાનો સામે નવા અંકુશો પણ જાહેર કરાયા છે. ઓસ્બોર્ને જણાવ્યું હતું કે તેઓ ૨૦૧૭-૧૮ સુધીમાં વધુ £૩૦ બિલિયન મેળવવા સરકારી ખર્ચમાં £૧૩ બિલિયનનો કાપ મૂકશે, £૧૨ બિલિયનની બચત વેલ્ફેર બજેટમાંથી અને £૫ બિલિયન ટેક્સ એવોઈડન્સ અને કરચોરી સામેના પગલાંમાંથી મેળવાશે.

ચાન્સેલરે કહ્યું હતું કે આર્થિક હાલત સુધરવાના પરિણામે આગામી ત્રણ વર્ષમાં ઋણમાં અપેક્ષા કરતા પાંચ બિલિયન પાઉન્ડનો ઘટાડો થશે. રાષ્ટ્રીય દેવાંમાં પણ વહેલો ઘટાડો થતો જોવાં મળ્યો છે. વિકાસના આંકડા પણ સુધારવામાં આવ્યાં છે. બે વર્ષો માટે ડિસેમ્બરની ૨.૪ અને ૨.૨ ટકાની આગાહી સામે અનુક્રમે આ વર્ષે ૨.૫ ટકાના દરે અને આગામી વર્ષે ૨.૩ ટકાની વૃદ્ધિ થશે. ૨૦૧૪-૧૫માં ઋણ £૯૦.૨ બિલિયન રહેશે, જે ઓટમ સ્ટેટમેન્ટની આગાહી કરતા £૧ બિલિયન ઓછું છે. ૨૦૧૫-૧૬ અને ૨૦૧૬-૧૭માં અનુક્રમે ઘટીને ઋણ £૩૯ બિલિયન અને £૧૨ બિલિયન થશે, જ્યારે ૨૦૧૮-૧૯માં £૫.૨ બિલિયન અને ૨૦૧૯-૨૦માં £૭ બિલિયનની પુરાંત રહેશે. જોકે, ડિસેમ્બરમાં £૨૩ બિલિયન પુરાંતની આગાહીની સરખામણીએ આ ઘટાડો નાટ્યાત્મક કહેવાય.

ઓસ્બોર્ને બચતો ક્યાંથી આવશે તે કહેવાનું નકાર્યું છે. તેમણે બીબીસી સમક્ષ જણાવ્યું હતું કે વેલ્ફેર સુધારાઓના પરિણામે લોકો કામ કરતા થયા છે. આપણે બ્રિટનમાં સંપૂર્ણ રોજગારની દિશામાં આગળ વધવાનું છે. બેનિફિટ્સનું બિલ આસમાને પહોંચતું અટકાવવા નવા સુધારાઓમાં વર્કિંગ એજ બેનિફિટ્સ સ્થગિત કરવાનો પણ સમાવેશ થશે. સામાન્ય ચૂંટણી હોવાથી લોકો સામે પસંદગીનો વિકલ્પ છે. આપણે આર્થિક રિકવરીના માર્ગે આગળ વધી શકીએ અથવા વધુ કરજ, વધુ ટેક્સ, વધુ ખર્ચ સાથે દેશને ફરી આર્થિક અરાજકતામાં ધકેલવાનો પણ વિકલ્પ છે.

વિકાસ અને રોજગારમાં વૃદ્ધિ, રાષ્ટ્રીય આવકના હિસ્સા તરીકે ઋણમાં ઘટાડો તેમ જ ફૂગાવા કરતા પાંચ ગણી ઝડપે વધેલાં વેતનો દર્શાવતી રચનાત્મક આર્થિક પરિસ્થિતિ મધ્યે ચૂંટણી અગાઉનું ઓસ્બોર્નનું બજેટ આવ્યું છે. ટેક્સ લાગુ પડવાની મર્યાદામાં વધારો કરીને લાખો લોકોને કરજાળથી મુક્ત કર્યા છે અને બચતકારો માટે નવી ફ્લેક્સીબલ ISA યોજના જાહેર કરી ૯૫ ટકા લોકોએ તેમની બચતોના વ્યાજ પર ટેક્સ ભરવો ન પડે તેવું પગલું પણ લીધું છે. આ ઉપરાંત, નવું ઘર ખરીદનારાને ડિપોઝિટ ભરવામાં મદદ તરીકે સરકાર દ્વારા £૩૦૦૦ના ખાસ બોનસની યોજના પણ જાહેર કરી છે. ‘હેલ્પ-ટુ-બાય ISA’ યોજના હેઠળ ખોલાનારા નવા સેવિંગ્સ એકાઉન્ટમાં પ્રતિ £૨૦૦ની બચત સામે સરકાર £૫૦ ઉમેરશે. આમાં બચત અને બોનસ પર અંકુશો પણ મૂક્યા છે. ચાન્સેલરે સપ્ટેમ્બરથી ફ્યુલ ડ્યુટીમાં થનારો વધારો રદ કર્યો છે. આથી કારમાં પેટ્રોલ ભરાવવામાં £૧૦નો ફાયદો થશે. બીજી તરફ, ચાન્સેલરે સિગારેટમાં ૧૬ પેન્સની ડ્યુટી વધારવા સાથે દેશના ઉત્પાદકોને વિદેશી સ્પર્ધામાં લાભ થાય અને રોજગારી વધે તેવાં પગલામાં બિયર, સિડાર અને સ્કોચ વ્હિસ્કીની ડ્યુટી ઘટાડી છે.

જોકે, લેબર પાર્ટી શેડો ચાન્સેલર ઓસ્બોર્નની આગાહી કે યોજના સાથે સંમત થયા ન હતા. તેમણે કહ્યું હતું કે નેશનલ હેલ્થ સર્વિસ અથવા શેરીઓમાં કાર્યરત પોલીસ અધિકારીઓ અથવા દેશના સશસ્ત્ર દળોમાં કાપ મૂકવાનું જોખમ લઈ શકાય નહિ. હિસાબો સરભર કરવા અને પુરાંત મેળવવા ચાન્સેલર ખર્ચકાપનો જ આધાર લઈ રહ્યા છે. લેબર પાર્ટી ખાધની સમસ્યા ઉકેલવા ખર્ચકાપ અને ટેક્સમાં વધારાની સમતુલા રાખશે. £૧૫૦,૦૦૦થી વધુ કમાતા લોકો પર ઈન્કમ ટેક્સનો ૫૦ ટકા સુધીનો સૌથી ઊંચો દર શા માટે શા માટે ન લાદી શકાય?


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter