લંડનઃ રોયલ બાયોગ્રાફર ઈન્ગ્રિડ સેવાર્ડે રહસ્યસ્ફોટ કરતાં કહ્યું છે કે પ્રિન્સેસ ડાયેનાની અંતિમવિધિ શોભાયાત્રા દરમિયાન પોતાની હત્યા થઈ જવાનો ભય પ્રિન્સ ઓફ વેલ્સને સતાવતો હતો કારણકે તે સમયે પ્રજાને પ્રિન્સ પ્રત્યે ભારે રોષ હતો.
હેન્લી લિટરરી ફેસ્ટિવલ ખાતે બોલતા પીઢ રોયલ કોરસપોન્ડન્ટે જણાવ્યું હતું કે ૧૯૯૭માં પેરિસ ખાતે અકસ્માત પછી પ્રિન્સેસ ડાયનાના કોફિન પાછળ વેસ્ટમિન્સ્ટર એબી ખાતે જઈ રહ્યા હતા ત્યારે કોઈ ગનમેન તેમને શૂટ કરી નાખશે તેમ પ્રિન્સ ચાર્લ્સ માનતા હતા.
રોયલ બાયોગ્રાફર સેવાર્ડે કહ્યું હતું કે,‘તે સમયે પ્રિન્સ ચાર્લ્સ ભારે નર્વસ હતા કારણે તેઓ પ્રજા માટે એક નંબરના દુશ્મન હતા. તેઓ માનતા હતા કે જો કોઈ ગનથી મને શૂટ કરી દેશે તો મોત થશે. ત્યારે લંડનની શેરીઓ એકદમ શાંત હતી. ભીડમાં જે કાંઈ બોલાય તે સાંભળી શકાતું હતું. લોકો બોલતા હતા, ‘આની સામે જુઓ, આની સામે જુઓ.’ લોકોમાં ભારે રોષ હતો અને સમગ્ર માર્ગ પર પ્રિન્સને લોકોના અપશબ્દો સંભળાતા હતા અને આ માર્ગે પોતે પાછા ફરી શકશે તેમ પ્રિન્સને લાગતું ન હતું.’
જોકે, પ્રિન્સ ઓફ વેલ્સ વિશે આવી ખાનગી વાત તેમને ક્યાંથી મળી તેનો સ્રોત પીઢ રોયલ બાયોગ્રાફરે જાહેર કર્યો ન હતો.