લંડનઃ લાંબા સમયથી ભારતીય વાનગી ચિકન ટિક્કા મસાલા યુકેની લોકપ્રિય વાનગીઓમાં સ્થાન ધરાવે છે, પરંતુ બ્રિટિશ એશિયન મહિલા વેપારી તાનિયા રહેમાને હેમ્પશાયરના સેલિસબરી ખાતે સેન્ટ જ્યોર્જ‘સ ડે ઉજવણીના પ્રસંગે કરી સર્વ કરવા અરજી કરી ત્યારે સેલિસબરી સિટી કાઉન્સિલે વાનગીને ‘ઓછી અંગ્રેજ’ ગણાવી પરવાનગી આપવાનું નકાર્યું હતું.
કાઉન્સિલના આ નિર્ણયની ભારે ટીકા થઈ છે અને તાનિયાએ તેને ભેદભાવપૂર્ણ નિર્ણય ગણાવ્યો હતો. તેણે કહ્યું હતું કે વિવિધતાસભર સેલિસબરીમાં જ ભારતીય રેસ્ટોરાં વધુ લોકપ્રિય છે. તાનિયાને મોકલેલા ઈમેઈલમાં જણાવાયું હતું કે આ કાર્યક્રમમાં મુલાકાતીઓએ ‘અંગ્રેજિયત થીમ આધારિત વાનગીઓ’ જ લેવી જોઈએ. વિવાદના પગલે સિટી કાઉન્સિલે મિસ રહેમાનની માફી માગી ઉજવણીના સ્થળે સ્ટોલ નાખવા આમંત્રણ આપ્યું હતું.