લંડનઃ યુકેમાં સામાન્ય ચૂંટણીના આડે માત્ર ત્રણ મહિના રહ્યા છે ત્યારે ટોરી ચેરમેન ગ્રાન્ટ શાપ્સે સ્પષ્ટ કર્યું છે કે ચૂંટણી પછી તેમનો કન્ઝર્વેટિવ પક્ષ નાઈજેલ ફરાજના પક્ષ Ukip સાથે કોઈ સમજૂતી કે જોડાણ નહિ કરે. જોકે, તેમનો પક્ષ મોટા પક્ષ તરીકે બહાર આવે તો લિબ ડેમોક્રેટ્સની સાથે સમજૂતીની શક્યતા તેમણે નકારી ન હતી. શાપ્સે આગામી ચૂંટણી રસાકસીપૂર્ણ બની રહેશે તેમ પણ સ્વીકાર્યું હતું.
કન્ઝર્વેટિવ પાર્ટીના ચેરમેન ગ્રાન્ટ શાપ્સે તેમનો પક્ષ આગામી સામાન્ય ચૂંટણીમાં બહુમતી ન મેળવી શકે તો પણ ડેવિડ કેમરન સાથે જોડાણ નહિ રચે તેવી સ્પષ્ટતા કરી છે. અભિપ્રાય મતદાનોમાં કન્ઝર્વેટિવ અને લેબર પાર્ટી વચ્ચે ભારે રસાકસી રહેશે તેમ દર્શાવાયું છે અને ફરી એક વખત ત્રિશંકુ પાર્લામેન્ટ રચાવાના અણસાર છે. ટોરી પાર્ટી સૌથી મોટા પક્ષ તરીકે રહે પરંતુ બહુમતી માટે ૩૨૬ બેઠક મેળવી ન શકે તેવી પરિસ્થિતિમાં લિબરલ ડેમોક્રેટ્સ સાથે ફરી એક વખત જોડાણની શક્યતા નકારાતી નથી. જોકે, તાજેતરના વિશ્લેષણો જણાવે છે કે મે મહિનાની ચૂંટણીમાં અડધોઅડધ બેઠકો ગુમાવે તેવી શક્યતા ધરાવતા લિબરલ ડેમોક્રેટ્સ સાથે મળીને પણ સરકાર રચવા જેટલી બેઠકો જીતવામાં ટોરી પાર્ટી સફળ નહિ રહે.
અત્યાર સુધી માત્ર બે સાંસદ ધરાવતી મે મહિનામાં પાંચ અથવા છ બેઠક મેળવી તેવી સંભાવના છે. નાઈજેલ ફરાજ કેન્ટમાં ટોરી પાર્ટી હસ્તકની થાનેટ સાઉથ બેઠક જીતી શકે છે. બીજી તરફ, સ્કોટલેન્ડમાં લેબર પાર્ટીની ઓછામાં ઓછી ડઝન બેઠકો પર સ્કોટિશ નેશનાલિસ્ટ પાર્ટી (SNP) પડકાર આપશે. લેબર પાર્ટી અને SNP વચ્ચે ગઠબંધનની ચર્ચા છે. ગયા વર્ષે ફરાજે એમ કહ્યું હતું કે તેમનો પક્ષ વધુ બેઠકો જીતશે તો ટોરી અથવા લેબર પાર્ટી સાથે વ્યૂહાત્મક જોડાણ કરી શકે છે.