ગુજરાતી - ભારતીયો અને એશિયન લોકોના ઘરોમાં મોટા પ્રમાણમાં સોનાનો સંગ્રહ કરાયેલો હોય છે તેવી માન્યતાના કારણે ઉંમરલાયક વૃધ્ધો અને મહિલાઅોને બર્બરતાપૂર્વક માર મારીને લુંટ ચલાવવાના અને ઘરમાંથી ચોરીઅો કરવાના બનાવો વધી રહ્યા છે. વધતા બનાવો જોતા આપણા સમુદાયના લોકોએ સાવચેત થવાની જરૂર છે અને આપણા નેતાઅોએ આ બાબતે પોતાની તેમજ પોલીસ - વહીવટી તંત્રની ઉંઘ ઉડાડી જોરદાર લડત ઉપાડવી આવશ્યક થઇ ગઇ છે. અત્યારે હાલત એવી છે કે જો તમે પુછો તો આપના કોઇ પણ પરિચીત કે સંબંધી એવા નહિં હોય જેઅો ચોરી લુંટફાટનો ભોગ બન્યા નહિં હોય. આગામી સ્કૂલ હોલીડેઝ અને તે પછી આવતા નવરાત્રી અને દિવાળી પર્વ ચોરો માટે હોટફેવરીટ છે ત્યારે કેટલીક તકેદારી રાખવી ખૂબ જ જરૂરી છે.
તાજેતરમાં જ બહાર આવેલા કેટલાક કિસ્સાઅો જોતાં સાફ જણાયું છે કે આપણા લોકો પાસે સોનુ બહુ હોવાની માન્યતાના કારણે ચોર – લુંટારા સોનાના દાગીના ન મળતા પરિવારના સભ્યોની બર્બરતાપૂર્વક મારઝૂડ કરે છે અને વૃદ્ધો તથા મહિલાઅોને પણ છોડતા નથી.
તાજેતરમાં જ પોલીસ તપાસમાં બહાર આવેલા વેસ્ટ લંડનના સાઉથોલ વિસ્તારના એક બનાવમાં બિલ્ડર્સના સ્વાંગમાં આવેલા લુંટારાઅોએ બિલ્ડર હોવાનું જણાવી ઘરનો દરવાજો ખોલાવી ઘરમાં પ્રવેશ કર્યો હતો. લુંટારાઅોએ પિસ્તોલ બતાવી ૬૯ વર્ષના વૃધ્ધ મહિલાને મારઝુડ કરી હાથ પગ બાંધીને રૂમમાં પુરી દીધા હતા. આટલું જ નહિં લુંટારાઅોએ દાદીમાના પુત્ર અને તેમના ૧૯ વર્ષના પૌત્રને પણ મારઝુડ કરી હતી. લુંટારાઅોએ દાદીમાના ૮૪ વર્ષના ડીમેન્શીયાથી પીડાતા અને પથારીવશ વૃધ્ધ પતિને પણ સોનુ ક્યાં છે તેમ પુછી પિસ્તોલ બતાવી ધમકીઅો આપી હતી.
દાદીમાના ૪૩ વર્ષના પુત્રએ ઘરનો દરવાજો ખોલતા જ છ લુંટારા ઘરમાં ઘુસી આવ્યા હતા અને આવતાની સાથે જ પિસ્તોલના બટ વડે તેમને માથામાં ઇજા કરી હતી. દાદીમાનો ૧૯ વર્ષનો પૌત્ર ઉપરના માળે બાથરૂમમાં નહાતો હતો તેને પણ લુંટારાઅો મારીને નીચે લઇ આવ્યા હતા. પોતાના પૌત્ર અને પુત્રને લુંટારા ગોળી મારી દેશે એમ લાગતા દાદીમાએ "મને ગોળી મારો, પણ મારા દિકરાઅોને છોડી દો. તમારે જે જોઇતું હોય તે ઉપરના રૂમમાં છે. તમે મન ફાવે તે લઇ લો, પરંતુ મારા બાળકોને કશું કરશો નહિં.” તેવી વિનંતીઅો કરી હતી. દાદીમાએ સાફ સાફ જણાવ્યું હોવા છતાં લુટારાઅો એક જ વાત પર વળગી રહ્યા હતા કે 'વેર ઇઝ ગોલ્ડ એન્ડ વેર ઇઝ મની.”
છ લુંટારાઅો માર ઝૂડ કરી ગણતરીની છ – સાત મિનિટમાં આશરે £૧૪,૦૦૦ના સોનાના દાગીના અને રોકડ રકમ લુંટી ફાયર સ્ટોન ટાયરનો લોગો ધરાવતી ટ્રાન્ઝીટ વેનમાં ભાગી છૂટ્યા હતા. છ લુંટારા પૈકી પાંચ ઇસ્ટર્ન યુરોપીયન જેવા અને એક શ્યામ વર્ણનો હતો. પોલીસે આ અંગે માહિતી હોય તો 020 8785 8655 અથવા ક્રાઇમ સ્ટોપર્સને 0800 500 111 ઉપર ફોન કરવા અપીલ કરી છે.
આવો જ બીજો બનાવ પણ સાઉથોલમાં બન્યો હતો, જેમાં બે લુંટારાઅોએ ૮૫ વર્ષના અને આંખે અોછું દેખતા વૃધ્ધ મહિલાને નિશાન બનાવ્યા હતા. ચોરોએ બેલ દબાવતા વૃદ્ધ મહિલાએ ઘરનો દરવાજો ખોલતાં જ લુંટારાઅોએ ધક્કો મારીને વૃધ્ધાને નીચે ફેંકી દીધા હતા. ઘરના સીસીટીવીમાં રેકોર્ડ થયા મુજબ લુંટારાઅોએ નીચે પડેલા વૃદ્ધ દાદીમાના કાન અને શરીર પરથી સોનાના દાગીના લુંટી લીધા હતા. વધુ માલમત્તા મળશે એ આશાએ લુંટારા દાદીમાને ઢસડીને હોલવેમાંથી રૂમમાં લઇ ગયા હતા અને પોતાની પાસે ચાકુ છે તેમ જણાવી સોનાના દાગીના અને £૩૦૦ રોકડા લુંટી ભાગી છૂટ્યા હતા. પોલીસને આ બનાવમાં અહસાન અલી (કોમનવેલ્થ એવન્યુ, હેઇઝ)ને પકડવામાં સફળતા મળી હતી અને હજુ ૧૮થી ૨૫ વર્ષના એક પંજાબી યુવાનને શોધી રહી છે. આ બન્ને બનાવો જોતાં સહેજે લાગે કે લુંટારાઅો પોતાનો મકસદ પાર પાડવા કશું પણ કરી શકે.
ત્રીજો બનાવ સાઉથ લંડનના નોર્બરીમાં સ્ટેનફર્ડ રોડ પર ગત તા. ૫ જુલાઇના રોજ બપોરે ત્રણેક વાગ્યાના સુમારે બન્યો હતો. નોર્બરી લંડન રોડ પર ગુજરાતી બાર્બરના નામથી દુકાન ધરાવતા રાકેશભાઇ પારેખના પત્ની તેમના દિકરીને લેવા માટે સ્કૂલે ગયા હતા ત્યારે શ્યામ વર્ણના ચોરે ભોંયતળીયે આવેલા ફ્લેટના દરવાજાના તાળાને તોડીને ઘરમાં પ્રવેશ કર્યો હતો. ચોરટાએ લેપટોપ, કેમેરા, £૨૨૦૦ રોકડા અને સોનાના દાગીના મળી £૧૨-૧૩ હજારની માલમત્તાની ચોરી કરી હતી. રાકેશભાઇએ પડોશીઅોની સીસીટીવી સીસ્ટમ ચેક કરતા જણાયું હતું કે તેમના પત્ની દિકરીને લેવા શાળા જવા નીકળ્યા કે તુરંત ચોરટો તેમના ઘરમાં ઘુસ્યો હતો અને ગણતરીની મિનિટોમાં ચોરી કરી રફૂચક્કર થઇ ગયો હતો.
અત્યાર સુધીના બનાવોમાં એક સાફ વાત સાબીત થઇ છે કે ચોર – લુંટારાઅોને મોટેભાગે રોકડ, સોનાના દાગીના, લેપટોપ, આઇપેડ અને મોંઘાદાટ મોબાઇલ ફોનમાં જ રસ હોય છે. એક અનિધીકૃત માહિતી મુજબ કેટલાક કિસ્સાઅોમાં ચોર ગોલ્ડ ડીટેક્ટર જેવું ઇલેક્ટ્રોનિક સાધન લઇને આવ્યા હોય તેમ જણાયું છે. આવા સાધનથી તેમનો ચોરી કરવા માટેનો સમય બચે છે અને બને એટલા ઝડપથી તેઅો ભાગી છૂટે છે. એક માહિતી મુજબ જ્વેલર્સ દ્વારા સોનાના દાગીના ખરીદતા પહેલા વ્યક્તિની આઇડી, બિલ્સ વગેરે ચેકકરવાનાહોય છે. પરંતુ મોટા ભાગના કિસ્સાઅોમાં કેટલાક જ્વેલર્સ ચોરો પાસે આઇડી કે બિલ વગેરે માંગતા નથી અને બદલામાં સોનાની કિંમતના પાંચમા ભાગની રકમ આપી મોટો નફો કમાય છે. આમ થોડે ઘણે અંશે આવા લેભાગુ જ્વલેર્સ પણ ચોરીઅોને આડકતરી રીતે ઉત્તેજન આપે છે.
આપના ઘરને કઇ રીતે સુરક્ષીત રાખશો
* બને ત્યાં સુધી સોનાના દાગીના-ઝવેરાતને સેફ ડીપોઝીટ લોકરમાં મૂકો. ખૂબજ સામાન્ય ફી ધરાવતા લોકર સૌથી સુરક્ષીત છે.
* ઘરની બહાર દેખાય તેવા સેન્સર લાઇટ (£૨૦), સીસીટીવી કેમેરા (£૨૦૦-૩૦૦) અને બર્ગલર એલાર્મ (£૨૦૦-૩૦૦) મૂકાવો. આ ત્રણ સાધનો ચોરોને તમારા ઘરથી દુર ભગાવે છે. રાતના સમયે સેન્સર લાઇટ ચાલુ થશે તો આપોઆપ ચોર ડરશે.
* સારા દરવાજા અને ડબલ ગ્લેઝ બારીઅો પણ ચોરોને રોકે છે.
* ઘરમાં જરૂર પૂરતી £૩૦૦ સુધીની જ રોકડ રકમ રાખો.
* કોઇ પણ વ્યક્તિ માટે દરવાજો ખોલતા પહેલા ચકાસણી કરો. સ્વજનો કે પરિચીતો માટે પણ ચોકસાઇ કરીને જ દરવાજો ખોલો.
* પોતાના પ્રવાસ, પ્રસંગોએ આપેલી - મળેલી ભેટ, સોના-ઝવેરાત પહેરેલા આભુષણો વગેરે વાળી તસવીરો અને સંદેશા સોશ્યલ મીડીયા પર મૂકતા પહેલા વિચારો.