કામકાજ કે નોકરી ધંધો કરવાના બદલે મફતનું કે ચોરી લુંટફાટનું ખાઇ લેવાની વૃત્તી ધરાવતા ચોર – લફંગાઅોનો જાણે કે રાફડો ફાટ્યો છે અને આપણા ભારતીયો અને ગુજરાતીઅોને છેતરીને લુંટી લેવાનું તો જાણે આસાન થઇ ગયું છે. કિંગ્સબરી હાઇ રોડ પર હેલીફેક્ષ બેન્કની સામે તાજેતરમાં જ ૭૨ વર્ષના વૃધ્ધને છેતરીને તેમનું બેન્ક કાર્ડ લઇને એશિયન ઠગે કેશ મશીનમાંથી £૩૦૦ સેરવી લીધા હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ કિંગ્સબરી હાઇ રોડ પર હેલીફેક્ષ બેન્કની સામે ૭૨ વર્ષના વડિલ પોતાની કાર પાર્ક કરતા હતા ત્યારે મધ્યમ વયનો એક એશિયન વ્યક્તિ તેમની પાસે આવ્યો હતો અને "કાકા તમારી પાસે ડીસેબલ બેજ હોવા છતા અહિં તમારી કાર પાર્ક કરી ન શકો' તેમ જણાવ્યું હતું. તે ઠગે કાકાને કાર પાર્કના ફાઇન અને ક્લેમ્પીંગ વગેરે તકલીફો અંગે વાર્તાઅો કરીને ડરાવ્યા હતા. તે વાત વાતમાં કાકાને સામે જ આવેલી હેલીફેક્ષ બેન્કના કેશ મશીન સુધી લઇ ગયો હતો અને તેમને ભોળવીને કેશ મશીનમાં પીન નંબર નંખાવ્યો હતો અને પછી જન્મ તારીખ પણ નંખાવી હતી. આ સમય દરમિયાન તક મળતાં જ તે કાકાનું કાર્ડ લઇને આઉડી ટીટી કાર લઇને ભાગી છૂટ્યો હતો. સદનસીબે કાકાનો દિકરો તેમની પાસે હતો જેણે તુરંત જ કાર્ડને બ્લોક કરાવી પોલીસને જાણ કરી હતી. પરંતુ તે સમય દરમિયાન કાર્ડમાંથી £૩૦૦ નીકળી ચૂક્યા હતા.
આવો જ અન્ય બનાવ પણ કિંગ્સબરી વિસ્તારમાં બન્યો હોવાનું કહેવાય છે. ગ્રોસરી કે શાકભાજી ખરીદવા જતા આપણા સમુદાયના લોકોને આ રીતે છેતરીને ચોરી લુંટ કરવાના બનાવો ચિંતાજનક છે. તાજેતરમાં જ વોટ્સએપ પર એક વિડીયો ફરતો થયો હતો. જેમાં બુરખો પહેરેલી એક મહિલા અને જીન્સ પહેરેલી સાગરીત યુવતી એક મહિલાના પર્સમાંથી પેકેટ ચોરીને ફરાર થઇ ગયા તેવા સીસીટીવી ફૂટેજ બતાવાઇ હતી. બન્ને ચોર મહિલાઅોએ શાક ખરીદવાના બહાને ભોગ બનેલી ભારતીય – ગુજરાતી જેવી મહિલાને વચ્ચે રાખી હતી અને મોકો જોઇને નજીક જઇને કોઇને દેખાય નહિં તેવી રીતે પેકેટ સેરવી લીધું હતું. જે ઘટના સીસીટીવી કેમેરામાં ઝડપાઇ ગઇ હતી.
મિત્રો, ઘણી વખતે વોટ્સએપ અને ફેસબુકમાં આવા ચોરી-લુંટફાટના વિડીયો તેમજ ચેતવણી આપતા અન્ય સંદેશાઅો મિત્રો - સગાં સ્વજનોને ફોરવર્ડ કરે છે. કેટલીક વખત આવા સંદેશા સાચા હોય છે તો ઘણી વખત તે ખોટા અને લોકોને ડરાવવાના ઇરાદે બનાવાયા હોય છે. તમે આ સંદેશાઅો મોકલનાર સુધી જવાનો પ્રયાસ કરો તો પણ તે શક્ય બનતું નથી. આ સમાચાર લખવાનું તાત્પર્ય એ જ છે કે સોશ્યલ મિડીયા પર ફરતા આવા સંદેશાઅો જોઇ વાંચીને ડરવું અોછું અને કાળજી વધારે લેવી અને બને એટલી સાવચેતી રાખવી. પરંતુ એનો અર્થ એ નથી કે ઘરમાં બેસીને પુરાઇ રહેવું અને હદ કરતા વધારે શંકાશીલ બનીને માનસિક ત્રાસ ભોગવવો.