લંડનઃ ગિફ્ટ એઈડ ટેક્સ રાહત મેળવવા ખોટા ક્લેઈમ્સ મારફત £૩૭,૦૦૦ની ચોરી છેતરપીંડી કરનારા ‘હેલ્પ આફ્રિકા’ ચેરિટીના મુખ્ય ટ્રસ્ટી ઝુનૈદ અબુબકર પટેલને પ્રેસ્ટન ક્રાઉન કોર્ટે આઠ મહિનાની સજા ફરમાવી છે, જે બે વર્ષ સુધી મુલતવી રાખવામાં આવી હતી. આ ઉપરાંત, તેને બે વર્ષનો સુપરવિઝન ઓર્ડર અને ૨૦૦ કલાક અવેતન કોમ્યુનિટી કાર્યનો આદેશ પણ કરાયો હતો.
બ્લેકબર્નના ૩૧ વર્ષીય ઝુનૈદ પટેલે ‘હેલ્પ આફ્રિકા’ ચેરિટીને મળેલા £૧૪૯,૬૭૮ના દાન સંબંધે ચાર ગિફ્ટ એઈડ ડેક્લેરેશન કર્યા હતા, જેના આધારે £૩૭,૪૧૯ની પરત ચુકવણી મેળવાઈ હતી. HMRCની તપાસમાં માલાવી અને અન્ય આફ્રિકન દેશોમાં સખાવતી કાર્યો માટેના દાન બનાવટી હોવાનું જણાયું હતું. આ કરચોરીની રકમ પાછી મેળવવાની કાર્યવાહી શરૂ કરાઈ છે.