લંડનઃ સરકાર ઈંગલેન્ડ અને વેલ્સની મસ્જિદો સહિત તમામ ચેરિટી સંસ્થાઓમાંથી કટ્ટરવાદી ટ્રસ્ટીઓને દૂર કરવાનો કાયદો લાવી રહી છે. કેટલીક મસ્જિદોના ટ્રસ્ટીઓ ખુલ્લેઆમ શરીઆ કાયદાને ટેકો આપી રહ્યા છે. ત્રાસવાદનો સામનો કરવાના હોમ ઓફિસના નવા પગલામાં ચેરિટી કમિશનને નવી કાનૂની સત્તા અપાશે, જેનાથી ટ્રસ્ટીઓની હકાલપટ્ટી કરી શકાશે.
કાયદો બની ગયા પછી દસ્તાવેજમાં અપાયેલી ઉગ્રવાદ કે કટ્ટરવાદની વ્યાખ્યા હેઠળ આવતા તમામ ટ્રસ્ટીઓ સામે પગલાં લઈ શકાશે. દસ્તાવેજમાં કટ્ટરવાદની વ્યાખ્યામાં ‘લોકશાહી, કાયદાનું શાસન, વ્યક્તિગત સ્વાતંત્ર્ય તેમ જ વિવિધ ધર્મો અને આસ્થા પ્રત્યે પારસ્પરિક સન્માન અને સહિષ્ણુતા સહિત મૂળભૂત બ્રિટિશ મૂલ્યોના મૌખિક અથવા સક્રિય વિરોધ’નો સમાવેશ થાય છે.