લંડનઃ મોબાઈલ ફોનના હેન્ડસેટ ચોરાઈ કે ખોવાઈ ગયા પછી પણ લાખો ફોનધારકોને ભારે બિલ ભરવા પડતા હતા તેમના માટે રાહતના સમાચાર છે. ઈઈ, ઓટુ, થ્રી, વર્જિન મીડિયા અને વોડાફોન કંપનીઓ દ્વારા મૂકાયેલા નવા પ્લાન હેઠળ હેન્ડસેટના માલિકો તેમના સાધનની ચોરી થયાના ૨૪ કલાકમાં જ મોબાઈલ કંપની અને પોલીસને ફરિયાદ કરશે તો તેમને મહત્તમ ૧૦૦ પાઉન્ડના કોલ ચાર્જ લગાવાશે.
અત્યાર સુધી આવા ફોનધારકોએ હજારો પાઉન્ડના ‘આઘાતજનક’ બિલ્સ ચુકવવા પડતા હતા. બ્રિટનની પાંચ મોટી મોબાઈલ કંપનીઓ દ્વારા જાહેર કરાયેલી આ સ્વૈચ્છિક યોજનાથી ‘પે મન્થલી’ કોન્ટ્રાક્ટ હેઠળના આશરે ૨૭ મિલિયન વપરાશકારોને તેમના ખોવાયેલાં કે ચોરાયેલાં મોબાઈલ હેન્ડસેટ્સ માટે ઊંચા બિલ સામે રક્ષણ મળશે.