લંડનઃ બ્રિટનમાં ગ્રોસરી એટલે કે કરિયાણું ખરીદવા માટે ઉધાર લેતાં પરિવારોની સંખ્યા બે વર્ષમાં બમણી થઈ છે. ઓફિસ ફોર બજેટ રિસ્પોન્સિબિલિટી અનુસાર દરેક પુખ્ત વ્યક્તિના માથે મોર્ગેજ સહિત સરેરાશ £૨૯,૧૨૬નું દેવું છે. દેવાંનાં પ્રમાણમાં સતત વૃદ્ધિ અને મુખ્યત્વે મોર્ગેજ દેવું વધવાથી પારિવારિક અંગત દેવાંની રકમ ૨૦૨૦ સુધીમાં ૬૨ ટકા જેટલી વધી ૨.૫ ટ્રિલિયનના આંકડે પહોંચી જવાની આગાહી છે. લાખો પરિવારો તેમના બિલોની માંડ ચુકવણી કરી શકે છે અને અનાજ-કરિયાણા માટે ચુકવણી ક્રેડિટ કાર્ડથી કરવાનું વલણ વધી રહ્યું છે.
ડેટ એડવાઈઝરી સેન્ટરના નવા અભ્યાસ અનુસાર ગયા મહિને ૧૨ ટકા બ્રિટિશરોએ તેમના ગ્રોસરી બિલ્સ ચુકવવા નાણા ઉધાર લીધાં હતાં, જે ૨૦૧૩ના આ જ મહિનામાં ગ્રોસરીની ઉધારી કરતા બમણી સંખ્યા છે. સેન્ટરે લંડન અને નોર્ધર્ન આયર્લેન્ડમાં ૧૮ ટકા લોકો દ્વારા અનાજ-કરિયાણાની ઉધાર ખરીદીની શક્યતા દર્શાવી હતી, જ્યારે વેલ્સમાં આ સંખ્યા ૧૪ ટકાની ગણાવાઈ હતી.
ઘણાં લોકો માટે ગેસ, ઈલેક્ટ્રિસીટી અને પાણીના બિલની ચુકવણી અતિ મુશ્કેલ બની રહે છે. આશરે ૪.૫ મિલિયન લોકોએ કબૂલ કર્યું હતું કે તેમણે ગયા મહિને આવી ચુકવણી માટે લોન અથવા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કર્યો હતો. આ ઉપરાંત, ૧.૫ મિલિયન લોકોએ ભાડું અથવા મોર્ગેજ ચુકવવા નાણા ઉધાર લીધાં હતાં. પાંચ ટકાએ તો એક લોન ચુકવવા બીજી લોન લીધી હતી.