છપૈયાજી: ૩૦મી ઓક્ટોબરથી ચોથી નવેમ્બર સુધી ચાલેલા ઘનશ્યામ જન્મસ્થાન ઉદ્ઘાટન મહોત્સવની સમાપ્તિ દિને ધર્મકુળ પરિવાર દ્વારા અમદાવાદમાં હોસ્પિટલ શરૂ કરવા સંકલ્પ લેવાયો હતો. છપૈયામાં યોગી સરકારના ભૂમિ સંશાધન પ્રધાન ઉપેન્દ્ર તિવારીએ ઘનશ્યામ જન્મોત્સવ ૩૦મી ઓક્ટોબરે ખુલ્લો મૂક્યો હતો.
ધર્મકુળ પરિવારના તેજેન્દ્રપ્રસાદજી મહારાજ, આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજ, ભાવિ આચાર્ય વ્રજેન્દ્રપ્રસાદજી મહારાજ, ભુજ મંદિર મહંત પુરાણી ધર્મનંદનદાસજી, કાલુપુર મંદિરના મહંત હરિકૃષ્ણદાસજી સ્વામી, શિકાગો, લંગાટા (આફ્રિકા), યુકે, જેતલપુર, મકનસર, નારાણપુરા, કલોલ, મહેસાણા, મથુરા, મૂળી, ગઢડા સહિતના સંતો-મહંતો અને હરિભક્તોની હાજરીમાં છપૈયામાં શ્વેત સંગેમરમરનું કલાયુક્ત ચાર માળનું જન્મસ્થાન મંદિર ઘનશ્યામ જન્મોત્સવમાં ખુલ્લુ મુકાયું હતું. જોકે ૧૦૦ વર્ષ પહેલાં અયોધ્યાપ્રસાદજી મહારાજે માટીથી લીંપણ કરેલા ઘરને મૂળ સ્વરૂપે જાળવી રખાયું છે.
મંદિર ઉદ્ઘાટનના યજમાનો પૂર્વ આફ્રિકા સત્સંગ સ્વામીનારાયણ મંદિર-નાઈરોબીના પ્રમુખ મનજીભાઈ કાનજી રાઘવાણી, કચ્છ સત્સંગ સ્વામીનારાયણ મંદિર-લંગાટાના ટ્રસ્ટી મંડળના ગોપાલભાઈ (ગિલ્બી), લક્ષ્મણભાઈ લાલજી વેકરિયા, દેવશી અરજણ કેરાઈ, મોમ્બાસા મંદિરના પ્રતિનિધિઓ ભીખાલાલ ગોરસિયા, યજમાન પરિવારોના કલ્યાણભાઈ લક્ષ્મણ રાઘવાણી, વાલજીભાઈ, ધનજીભાઈ, નારાણભાઈ કાનજી રાઘવાણી, કરશનભાઈ રાઘવાણી, રામજીભાઈ, વીરજીભાઈ વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ભુજ મંદિરના કોઠારી રામજીભાઈ દેવજી વેકરિયા, વિશ્રામભાઈ લાલજી પિંડોરિયા, વાલજીભાઈ હીરાણી, કાંતિ નારાણ મનજી પણ હાજર હતા.
વિલ્સડન મંદિર પ્રમુખ કુંવરજી અરજણ કેરાઈ, ટ્રસ્ટી કે. કે. જેસાણી, યુકે કોમ્યુનિટી અધ્યક્ષ માવજીભાઈ વેકરિયા, ભુજ લેવા પટેલ સમાજ વતી પ્રમુખ હરિભાઈ હાલાઈ, નાઈરોબી સમાજના આર. ડી. વરસાણીએ સંતો-મહંતો, દાતા અને કાર્યકરોને આ ઐતિહાસિક સર્જન મહોત્સવ માટે શુભેચ્છા આપી હતી. કચ્છ મંદિરના ટ્રસ્ટી મંડળ પૈકી મેઘજીભાઈ વેકરિયા, જાદવજીભાઈ ગોરસિયા, મંદિરનો શિક્ષણ વિભાગ સંભાળતા પ્રવીણભાઈ વેલજી પિંડોરિયા, પૂર્વ આફ્રિકા સત્સંગ, કચ્છ સત્સંગ લંગાટા અને મોમ્બાસા મંદિરોના પ્રતિનિધિઓ અને હરિભક્તોએ રાત્રે ઠાકર થાળીની રમઝટ બોલાવી અને છપૈયા ગાજી ઊઠયું હતું.
કારતકી પૂનમે છપૈયામાં મેળો અને સ્વામીનારાયણ મહોત્સવ એમ બંને પ્રસંગ સાથે ઉજવાતાં ગામમાં ભારે ભીડ હતી. અંદાજે ૩૦થી ૪૦ હજારની જનમેદની તો સ્વામીનારાયણ મંદિર પરિસરમાં હતી. બે કિ.મી. લાંબી નગરયાત્રામાં ૧૪ ફલોટસે આકર્ષણ જમાવ્યું હતું અને રાત્રે રાસોત્સવ યોજાયો હતો. નગરયાત્રામાં મહોત્સવના યજમાન લક્ષ્મણભાઈ ભીમજી રાઘવાણી, કથા યજમાન પ્રેમજીભાઈ કેશરા રાઘવાણી, ભત્રીજા મનજીભાઈ કાનજી રાઘવાણી અને કરશનભાઈ કાનજી રાઘવાણી બિરાજિત હતા. તેની પાછળ સંગીતવીણા ફલોટસ પર બાળલાલજી વ્રજેન્દ્રપ્રસાદની સવારી હતી. તેમની પાછળ કળશધારી બહેનો હતી. તેમની પાછળ મહિલાઓ અને બાળકો ભરેલાં ૧૦ ટ્રેક્ટર્સમાંથી એકસૂરે ‘ઘનશ્યામ’નો જયનાદ થતો હતો. હેલિકોપ્ટરમાંથી પુષ્પવૃષ્ટિ વચ્ચે જેતલપુર મંદિરના શાસ્રી પુરુષોત્તમપ્રકાશ સ્વામી, આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજ અને સરધારના સંત નિત્યસ્વરૂપદાસજીએ મંદિર નિર્માણની માહિતી આપી હતી. રૂ. ૪૫ લાખના ખર્ચે ૨૬૦ ફૂટ લંબાઈ, ૧૨૦ પહોળાઈ અને ૭૮ ફૂટ ચાર માળનું જન્મસ્થાન અંબાજીના ૫૮૦ ટ્રક શ્વેત પાષાણમાંથી બન્યું છે અને જન્મસ્થાન મંદિરની ચારેય બાજુ ગાયોનું આશ્રયસ્થાન હશે તેવી જાહેરાત કરાઈ હતી. આ પ્રસંગે ભુજ સ્વામીનારાયણ મંદિરના મહંત પુરાણી ધર્મનંદનદાસજી અને કચ્છી હરિભક્તોને જન્મસ્થળ નિર્માણમાં પ્રદાન બદલ બિરદાવાયા હતા.
મહોત્સવના અંતિમ ચરણમાં ૫૧ કુંડી હરિયાગ સંપન્ન થયા બાદ દાતા લક્ષ્મણભાઈ રાઘવાણી તેમના બંધુ પ્રેમજીભાઈ રાઘવાણી પરિવાર દ્વારા બાળ ઘનશ્યામ મહારાજ સહિતની મૂર્તિઓ માટે કરોડોની કિંમતના સુવર્ણ રત્નજડિત મુગટ અર્પણ કરાયા હતા. અન્ય યજમાનોએ સુવર્ણ છડી અર્પણ કરી હતી. આ પ્રસંગે વરિષ્ઠ સત્સંગી નારણ મનજી કેરાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ધર્મકુળ પરિવારે ગાદી હેઠળના મહંતો, ભુજ મંદિરના વરિષ્ઠ કોઠારી જાદવજી ભગત, મુખ્ય યજમાનો અને મંદિર નિર્માણના સહયોગીઓનું વિશેષ સન્માન કર્યું હતું.