છોટાઉદેપુરઃ તાલુકાના ગાંઠિયા ગામના આદિવાસી અને તેજગઢની આદિવાસી અકાદમી સાથે સંકળાયેલા બલુભાઇ રાઠવાએ બનાવેલી ઘેરૈયાની કાષ્ઠ પ્રતિમા કેમ્બ્રિજ યુનિવર્સિટીના વિખ્યાત આર્કિયોલોજી એન્ડ એન્થ્રોપોલોજી મ્યુઝિયમમાં સ્થાન પામશે.
વડોદરા સ્થિત ભાષા સંશોધન પ્રકાશન કેન્દ્ર દ્વારા તેજગઢમાં આદિવાસી અકાદમીની સ્થાપના કરવામાં આવી છે, જેના ભાગરૂપે વાચા સંગ્રહાલય પણ આકાર પામ્યું છે. આદિવાસી કળાસંસ્કૃતિના જતન-સંવર્ધન માટે સક્રિય આ વાચા સંગ્રહાલય અને કેમ્બ્રિજ યુનિવર્સિટી મ્યુઝિયમના સંયુક્ત ઉપક્રમે ૨૦૧૦માં કોરાજ ડુંગરમાં પૂર્વજોની ઓળખ વિષય પર પ્રદર્શનનું આયોજન થયું હતું. જેમાં હાજરી આપવા કેમ્બ્રિજ મ્યુઝિયમના પ્રતિનિધિ તરીકે માર્ગ એલિયટ નામના નિષ્ણાત આવ્યા હતા. તેઓ વાચા સંગ્રહાલયમાં પ્રદર્શિત થયેલી કાષ્ઠ પ્રતિમાઓ નિહાળીને બહુ પ્રભાવિત થયા હતા. પ્રદર્શન પૂરું થયે માર્ગ એલિયટ તો વતન પાછા પહોંચી ગયા હતા, પરંતુ તેઓ વાચા સંગ્રહાલયમાં નિહાળેલી કાષ્ઠ પ્રતિમાઓની કળાકારીગરીને ભૂલ્યા નહોતા.
આ વર્ષે કેમ્બ્રિજ યુનિવર્સિટીના મ્યુઝિયમમાં વિશ્વના જુદા જુદા દેશોમાંથી મંગાવવામાં આવેલી વિવિધ કૃતિઓનું પ્રદર્શન યોજવાનું નક્કી થયું અને એલિયટે તરત જ કાષ્ઠ પ્રતિમા માટે વાચા સંગ્રહાલયનો સંપર્ક કર્યો. ગયા મે મહિનામાં તેઓ ફરી તેજગઢ આવ્યા હતા. અહીં તેમણે વિવિધ પ્રતિમાઓ નિહાળીને લાકડામાંથી બનેલી ઘેરૈયાની તેમજ એક અન્ય મૂર્તિને બ્રિટનમાં પ્રદર્શિત કરવાનું નક્કી કર્યું. આ પ્રતિમા નિર્માણનું કામ તેમણે છોટાઉદેપુર તાલુકાના ગાંઠિયા ગામના આદિવાસી મૂર્તિકાર બલુભાઇ કાળીયાભાઇ રાઠવાને સોંપ્યું હતું.
બલુભાઇએ આ પ્રદર્શન માટે આદિવાસી કળાસંસ્કૃતિની ઓળખ આપતાં ઘેરૈયાની સાડા ચાર ફૂટ ઉંચી કાષ્ઠ પ્રતિમા પોતાની કલ્પનાથી તૈયાર કરી છે. કલાકારીગરીના બેનમૂન નમૂનારૂપ આ પ્રતિમા બનાવતા તેમને ત્રણ માસનો સમય લાગ્યો છે. બલુભાઇના મત મુજબ તેમની અત્યાર સુધીની કળાકારીગરીમાં સૌથી શ્રેષ્ઠ કૃતિ આ ઘેરૈયાની મૂર્તિ છે. ઘેરૈયાની તેમજ એક અન્ય પ્રતિમા હવે કેમ્બ્રિજ યુનિવર્સિટીના આર્કિયોલોજી એન્ડ એન્થ્રોપોલોજી મ્યુઝિયમમાં પ્રદર્શિત થશે.