જયેશ પટેલ સાઉથ લંડનમાંથી ઝડપાયો

Wednesday 24th March 2021 03:52 EDT
 
 

લંડન, જામનગરઃ સ્કોટલેન્ડ યાર્ડના એક્સ્ટ્રાડિશન યુનિટના અધિકારીઓએ લગભગ ત્રણ વર્ષ અગાઉ ગુજરાતના જામનગરના અગ્રણી વકીલની હત્યાના આરોપસર ૪૧ વર્ષીય વોન્ટેડ અપરાધી જયેશ પટેલ ઉર્ફ જયસુખ રાણપરિયાની ૧૬ માર્ચ મંગળવારે સાઉથ લંડનમાંથી ધરપકડ કરી હતી.
ભારતના એક્સ્ટ્રાડિશન વોરન્ટના આધારે કરાયેલી ધરપકડ પછી તેને ૧૭ માર્ચે વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ્સ કોર્ટમાં રજૂ કરાયો હતો. તેણે ક્રિમિનલ ચાર્જીસનો સામનો કરવા ભારત પ્રત્યર્પણ કરાય તેનો સ્પષ્ટ વિરોધ કર્યો હતો અને તેને આ મહિનાના અંતે વધુ સુનાવણી કરાય ત્યાં સુધી કસ્ટડીમાં સોંપાયો છે.
મેટ્રોપોલિટન પોલીસના સ્ટેટમેન્ટમાં જણાવાયું હતું કે સટન પ્લાઝા, સટનના નિવાસી જયસુખ રાણપરિયાની ભારતીય સત્તાવાળાના આંતરરાષ્ટ્રીય એરેસ્ટ વોરન્ટના આધારે મંગળવાર ૧૬ માર્ચે ધરપકડ કરાઈ હતી. ભારતમાં હત્યાના ષડયંત્રના આરોપ સંદર્ભે તે વોન્ટેડ છે.’
સાઉથ લંડનના વેસ્ટમિન્સ્ટરથી પકડાયેલા ભૂ-માફિયા જયેશ પટેલનો પ્રત્યર્પણ થકી કબજો મેળવવા માટે કેન્દ્રની એજન્સીઓ અને સરકાર દ્વારા કાયદાકીય પ્રક્રિયા આરંભી દેવાઇ છે. જોકે, તેને ભારત લાવવામાં હજુ થોડો સમય લાગશે તેમ પોલીસનું માનવું છે.
યુકેની કોર્ટ્સમાં પ્રત્યર્પણ બાબતોમાં ભારત સરકારનું પ્રતિનિધિત્વ કરતી ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ (CPS)ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે તેમને રાણપરિયાના ભારતમાં પ્રત્યર્પણ અંગે હંગામી વિનંતી મળી છે અને ૨૦ મે, ૨૦૨૧ સુધીમાં સંપૂર્ણ વિનંતી મળી જશે.

ગુજરાતમાં ૨૦૧૮ના ગુનાઓ મુદ્દે પૂછપરછ કરવાના ભાગરુપે ગુજરાત પોલીસની વિનંતીના આધારે ઈન્ટરપોલ દ્વારા જયેશ રાણપરિયા ઉર્ફ જયેશ પટેલ વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જારી કરાઈ હતી.

મોસ્ટ વોન્ટેડ જયેશ પટેલ પકડાતા રાહતનો શ્વાસ

કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલ આખરે લંડનથી પકડાઈ જવાથી જામનગર પોલીસ ઉપરાંત રાજ્ય અને કેન્દ્રની એજન્સીઓએ રાહતનો શ્વાસ લીધો છે. દેશની એજન્સીઓ દ્વારા તેને ભારત લઈ આવવાના પ્રયાસો શરુ કરી દેવાયા છે. યુકે સાથે પ્રત્યર્પણ સંધિ હોવાથી તેનો કબજો મેળવવામાં મુશ્કેલી નહિ પડે તેમ ઉચ્ચ પોલીસ અધિકારીઓનું માનવું છે.
છેલ્લા ૧૫ વર્ષના ગાળામાં જામનગર અને આસપાસના વિસ્તારોમાં બળજબરીથી જમીન પચાવી પાડવી, ખંડણી ઉઘરાવવી, બે હત્યા ઉપરાંત ખૂનની કોશિશ સહિતના સિલસિલાબંધ ગુનાઓ આચરી ખૌફનો પર્યાય બની ગયેલા જયેશ પટેલ સામે અત્યાર સુધી પોલીસ, ઈડી અને ડીઆરઆઈમાં ૪૯ ગુના નોંધાયા છે. વિદેશથી સિગારેટ દાણચોરી તેમજ મની લોન્ડરીંગ કરવા બદલ પણ તેના વિરુદ્ધ કેસ નોંધાયા છે. તે હાલ જામનગર પોલીસમાં ૧૪ ગુનામાં વોન્ટેડ હતો. તેની અઢીથી ત્રણ કરોડની મિલકતો પણ પોલીસે જપ્ત કરી છે.
જામનગરમાં ખૂનની કોશિશના એક કેસમાં ઝડપાતા તેને જેલહવાલે કરાયો હતો. જામીન પર છૂટયા બાદ તે વિદેશ ભાગી ગયો હતો. તેના વિરુદ્ધ પાસપાર્ટધારા ભંગ અંગેનો પણ ગુનો નોંધાયો છે. બનાવટી પાસપોર્ટના આધારે તે દુબઈ ભાગી ગયા હોવાનું મનાતું હતું. આ સ્થિતિમાં ખરેખર દુબઈ ભાગી ગયો કે પછી સીધો લંડન ગયો હતો તે હવે તેની પૂછપરછ બાદ જ બહાર આવશે.
જામનગરમાં બિલ્ડરોને ધાક-ધમકી આપી પૈસા પડાવવાના એક પછી એક ગુના આચરી તેણે રીતસર ભય ફેલાવી દીધો હતો. તે વિદેશમાં બેઠા-બેઠા ગુના આચરતો હતો. તેની ગેંગના સભ્યો તેના ઈશારે કોઈપણ ગુનાને અંજામ આપતા હતા. તેના ખૌફથી સમગ્ર જામનગર શહેર ફફડી ઉઠયું હતું. એવામાં એડ્વોકેટ કિરીટ જોષીની પણ તેણે જ સોપારી આપી હત્યા કરાવ્યાનું બહાર આવતા પોલીસ ઉપર તેને અને તેની ગેંગને નાથવા માટેનું દબાણ આવ્યું હતું.
તે વિદેશમાં હોવાની માહિતીને કારણે છેલ્લા ઘણાં સમયથી તેને પકડવા માટે પ્રયાસો કરાતા હતા. સીબીઆઈની ઈન્ટરપોલ વિંગ દ્વારા તેને ઝડપી લેવા માટેના પ્રયાસો છેલ્લા ઘણાં સમયથી તેજ બનાવી દેવાયા હતા. જેના પરિણામ સ્વરૂપ આખરે તેને લંડનથી ઝડપી લેવાયો છે.

બાઈકચોરી સાથે ગુનાખોરીની દુનિયામાં ડગ માંડયા

જામનગર નજીકના લોઠિયા ગામેથી જામનગર આવી પીસીઓ ચલાવનાર જયેશ પટેલે ઝડપથી પૈસાદાર થવાની લ્હાયમાં ગુનાખોરીની દુનિયામાં આડો આંક વાળી દીધો હતો. તેના વિરુદ્ધ પહેલો ગુનો બાઈક ચોરીનો નોંધાયો હતો. તેણે તેલ અને ચોખાના ધંધામાં ઝંપલાવી અનેક વેપારીઓને શીશામાં ઉતારી દીધા પછી જામનગરના માથાભારે શખ્સોની ગેંગમાં ભળી જમીન કૌભાંડો આચરવાનું શરૂ કર્યું હતું. જયેશ પટેલે એક પછી એક જમીન કૌભાંડો, ધાક-ધમકી, લૂંટ, ચોરી, મારામારી સહિતના અનેક ગુના આચરી જામનગરમાં ભયનો માહોલ ઊભો કરી દીધો હતો.
જામનગરના જ ઈવા પાર્કના જમીન કૌભાંડ અંગે તેને એડવોકેટ કિરીટ જોષી સાથે મનદુઃખ થતાં સોપારી આપી તેની હત્યા કરાવી હતી. એડવોકેટ જોષીની હત્યામાં સંડોવણી પહેલાં જ તેણે ૪૦ ગુના આચરી લીધા હતા. વિદેશમાં બેઠા-બેઠા છેલ્લા બે વર્ષમાં જ ખંડણીના એક પછી એક ગુના આચરી પોલીસ અને બીજી એજન્સીઓને રીતસર પડકાર ફેંક્યો હતો.

ત્રણ ભાડૂતી હત્યારાઓની આફિકાના સેનેગલમાં કંપની

એડવોકેટ કીરીટ જોષીની હત્યામાં કોલકાતાથી પકડાયેલા ત્રણ ભાડુતી હત્યારા દિલીપ નટવરભાઇ પૂજારા, તેના ભાઇ હાર્દિક અને જયંત અમૃતભાઇ ગઢવી (રહે. ત્રણેય અમદાવાદ)ને આફ્રિકાનાં સેનેગલ શહેરમાં સ્થાઇ થવું હતું. પરંતુ નાણાંનો મેળ નહી પડતા ત્યાં સ્થાઇ થઇ શક્યા ન હતાં.
જયેશના ઇશારે એડવોકેટ કિરીટ જોષીને જાહેરમાં છરીનાં ઘા ઝીંકી રહેસી નાંખનારા આરોપીઓ દિલિપ, હાર્દિક અને જંયતની પૂછપરછમાં અનેક ચોંકાવનારી માહિતીઓ બહાર આવી છે. આ ત્રણેય આરોપીએ ત્યાં બોગસ નામ પરથી જનરલ ટ્રેડીંગ કંપની પણ ઉભી કરી હતી. પરંતુ જો ધંધો ન ચાલે અને બચત પણ તેમાં વપરાઇ જાય તો મુશ્કેલીમાં મુકાઇ જવાના ભયને કારણે આરોપીઓએ સેનેગલમાં સ્થાયી થવાનું માંડી વાળ્યું હતું. જે કંપની શરૂ કરી હતી. તે અંગે હવે પોલીસ માહિતી મેળવવાનાં પ્રયાસો કરી રહી છે.
પોલીસ તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે, ત્રણેય આરોપીઓને સેનેગલમાં જયેશ પટેલ આર્થિક મદદ કરતો હતો. તે જ ત્રણેય આરોપીઓનાં હોટલનાં બિલ વગેરેની ચુંકવણી કરતો હતો. એટલું ન નહિ, દર મહિને આર્થિક મદદ કરતો હતો. પરંતુ સેનેગલમાં થોડો સમય બંધ કરી દીધું હતું. આ મુદ્દે પણ ત્રણેય આરોપીઓની પોલીસે ઘનિષ્ઠ પૂછપરછ શરૂ કરી છે.
ત્રણે આરોપીઓ ફરાર રહ્યાંનાં સમય દરમિયાન મુંબઇ, નેપાળ, ભુતાન, અને બીજા રાજ્યોમાં રહ્યા હતાં. તેમણે એવી કબુલાત પણ આપી છે કે, હત્યા બાદ રાજકોટથી ખરીદેલા બન્ને બાઇક પર જ નેપાળની સનોલી બોર્ડર સુધી પહોંચ્યા હતાં અને ત્યાં જ બન્ને બાઇક રેઢા મુકી દીધા હતાં.

ભૂમાફિયા જ્યેશ પટેલની ૪૨ મિલકતો ટાંચમાં લેવાઇ

કુખ્યાત ભૂમાફિયા જેયશ પટેલની જામનગર તથા લોઠીયા ગામમાં આવેલી ૪૨ જેટલી મિલકતો જામનગર અદાલતના આદેશના પગલે ટાંચમાં લેવાની કાર્યવાહી હાથ ધરાઇ છે. જામનગરના પ્રાંત અધિકારી તથા ગ્રામ્ય વિસ્તારના મામલતદાર સહિતની ટીમ દ્વારા તમામ મિલકતો સીલ કરી દેવાઈ છે. જયેશ પટેલ સામે હત્યા અને હત્યા પ્રયાસ તેમજ જમીન પચાવી પાડવા સહિતના ૪૯ જેટલા ગુનાઓ નોંધાયા છે અને અનેક ગુનામાં વોન્ટેડ છે. જામનગરની અદાલત દ્વારા તેની મિલકતો ટાંચમાં લેવા માટેની પ્રક્રિયા હાથ ધરાતા જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં આવેલી ૪૨ મિલકતો ટાંચમાં લેવામાં આવી છે. જયેશ પટેલની રણજીતસાગર રોડસ્થિત દુકાનો અને ઓફિસ તેમજ અલગ અલગ વિસ્તારમાં આવેલા ટેનામેન્ટ્સ, લોઠીયા ગામમાં આવેલું મકાન તથા જનતા ફાટક પાસે આવેલા ફ્લેટ વગેરે મળી કુલ ૪૨ મિલકતો ને ટાંચમાં લેવા માટેનો અદાલત દ્વારા આદેશ કરાયો હતો.

જયેશના ત્રણ સાગરીતો કોલકાતાથી પકડાયા

જામનગર શહેરના એડવોકેટ કિરીટ પટેલની હત્યામાં જયેશ પટેલની સાથે સંડોવાયેલા તેના ત્રણ સાગરીતોને જામનગર એલસીબીએ વેશપલટો કરીને ગુપ્ત ઓપરેશનના અંતે કોલકાતામાં ઝડપી લીધા છે.,
કિરીટ જોષી હત્યા કેસના એક આરોપી અજયપાલસિંહ પવારની પુછપરછમાં દિલીપ નટવરલાલ ઠક્કર (પુજારા) તેનો ભાઈ હાર્દિક ઠક્કર (પુજારા) અને જયંત ગઢવીના નામ ખુલ્યા હતાં અને તેઓ નેપાળ નાસી છુટયા હોવાનું જાહેર થયું હતું. હત્યા બાદ નાસી છુટેલા આરોપીઓ નામ બદલીને નકલી પાસપોર્ટના આધારે ભારત આવી કોલકાતામાં મુસ્લિમ વિસ્તારમાં સંતાયા હોવાની બાતમીના આધારે પોલીસની ટીમે કોલકતામાં વેશપલટો કરીને મુસ્લિમ વિસ્તારમાં રેકી કરી હતી અને એક મકાનમાંથી હાર્દિક નટવરલાલ ઠક્કર (પુજારા), તેનો ભાઈ દિલીપ નટવરલાલ ઠક્કર (પુજારા) અને જયંત અમૃતલાલ ચારણ (ગઢવી)ને ઝડપી લીધા હતાં. સ્થાનિક પોલીસની મદદ લઈને ત્રણેય શખસોને ત્યાંની કોર્ટમાં રજુ કરીને પ દિવસના ટ્રાન્ઝિટ (મુસાફરી) રિમાન્ડ મેળવીને જામનગર લાવવામાં આવ્યા હતા. તેમના કોવિડ ટેસ્ટ બાદ રીમાન્ડ માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter