ઇસ્ટ લંડનમાં રહેતા ગુજરાતી પરિવારના જાણીતી બિલ્ડીંગ સોસાયટીમાં આવેલા બેન્ક એકાઉન્ટમાંથી £૫૦,૦૦૦ કરતા વધારે રોકડ રકમની ગઠીયાઅોએ ઠગાઇ કરતા પોલીસે તપાસ આદરી છે. ગુજરાતી પરિવારની ભૂલ એટલી જ હતી કે તેઅો નિયમીત પોતાના બેન્ક એકાઉન્ટને ચેક કરતા નહોતા અને તેનો લાભ લઇને ગઠીયાઅોએ કૌભાંડ આચર્યું હતું.
નામ નહિં છાપવાની વિનંતી સાથે ગુજરાતી પરિવારના મોભી રમેશભાઇ (નામ બદલ્યું છે) એ જણાવ્યું હતું કે 'સ્થાનિક બિલ્ડીંગ સોસાયટીમાં તેમનું અને તેમના પત્ની રેણુકાબેન (નામ બદલ્યું છે)નું સેવીંગ બેન્ક એકાઉન્ટ હતું. બન્ને એકાઉન્ટમાં પતિ-પત્ની દ્વારા મોટી રકમ જમા કરાવાઇ હતી. રમેશભાઇ ગત સપ્ટેમ્બર માસમાં બિલ્ડીંગ સોસાયટીમાં ગયા હતા ત્યારે તેમને પત્ની રેણુકાબેનના એકાઉન્ટમાંથી £૫૦,૦૦૦ કરતા વધારે રકમ ગઠીયાઅો દ્વારા ઉપાડી લીધી હોવાની જાણ થઇ હતી. તેમણે આ અંગે બેન્કના અધિકારીઅોને ફરિયાદ કરતા બેન્કે તાત્કાલીક તપાસ કરી હતી જેમાં ગઠીયાઅો દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની બીના બહાર આવી હતી.
રમેશભાઇએ જણાવ્યું હતું કે 'બિલ્ડીંગ સોસાયટીમાં તેમના પત્ની રેણુકાબેનનો એકાઉન્ટ છે અને તેમાં મોટી રકમની માલમત્તા જમા કરાવાઇ છે તેવી માહિતીના આધારે ગઠીયાઅોએ રેણુકાબેને એકાઉન્ટમાં આપેલા કેટલાક સિક્યુરીટી પ્રશ્નોનો જવાબ આપીને એકાઉન્ટ હોલ્ડરનું સરનામુ અને ફોન નંબર બદલાવી દીધો હતો. થોડા દિવસ પછી ગઠીયાઅોએ પાસબુક ખોવાઇ ગઇ છે તેમ જણાવીને રેણુકાબેનના એકાઉન્ટની ડુપ્લીકેટ પાસબુક પણ બનાવડાવી હતી.
પાસબુક હાથમાં આવતાં જ ગઠીયાઅોએ ધીમે ધીમે બેન્કના એકાઉન્ટમાંથી £૫૦,૦૦૦ કરતા વધારે રકમની ઉઠાંતરી કરી હતી. બેન્કના નિયમો મુજબ મોટી રકમનો ઉપાડ થતાં બેન્ક દ્વારા ફોન કરીને અને કાગળ લખીને તપાસ કરવામાં આવી હતી. પરંતુ ગઠીયાઅોએ ચતુરાઇપૂર્વક રેણુકાબેનના ફોન નંબર અને સરનામુ બદલાવેલા હોવાથી રમેશભાઇ અને રેણુકાબેનને તેમના એકાઉન્ટમાંથી નાણાં ઉપાડવામાં આવે છે તેની જાણ સુધ્ધા થઇ નહોતી.
ગઠીયાઅોએ રેણુકાબેનનું ખોટુ સરનામુ નોર્થવુડ વિસ્તારનું આપ્યું હતું. જ્યારે નકલી પાસબુક આપી ત્યારે ગઠીયાઆોએ તેમાં પોતાની સહીઅો કરી દીધી હોવાથી તેઅો ધારે ત્યારે પૈસા ઉપાડી શક્યા હતા. અોગસ્ટ મહિનામાં થયેલા આ કૌભાંડ અંગે રમેશભાઇ અને રેણુકાબેને કરેલી ફરિયાદને આધારે બિલ્ડીંગ સોસાયટી દ્વારા પોલીસને ફરિયાદ કરવામાં આવી છે. બીજી તરફ બિલ્ડીંગ સોસાયટીની નિષ્કાળજીને કારણે કૌભાંડ થયું હોવાથી રેણુકાબેનને ગયેલી તમામ રકમ સોસાયટી દ્વારા ભરપાઇ કરવામાં આવી છે.
રમેશભાઇએ જણાવ્યું હતું કે તેઅો સંજોગોવશાત બિલ્ડીંગ સોસાયટીમાં ગયા હતા અને તપાસ કરતા તેમને આ કૌભાંડ થયાની જાણ થઇ હતી. જો તેઅો તપાસ કરવા ગયા ન હોત તો તેમને કદાપી કૌભાંડની જાણ થઇ ન હોત. રમેશભાઇએ જણાવ્યું હતું કે તેમની પત્નીની સરખામણીએ તેમના સિક્યુરીટી બાબતના પ્રશ્નના જવાબ જરા અટપટા હતા જેને લઇને તેમના એકાઉન્ટમાંથી ગઠીયાઅો પૈસા ઉપાડી શક્યા નહોતા.
આવા કૌભાંડથી બચવાનો આસાન ઉકેલ આ મુજબ છે.
* બેન્કના એકાઉન્ટના સ્ટેટમેન્ટની નિયમીત તપાસ કરવી જોઇએ અને બને તો ચૂકવેલા બિલ્સ સાથે તેને ચેક કરવા જોઇએ.
* બેન્કના અોનલાઇન એકાઉન્ટ કે ટેલિફોન બેન્કીંગના પાસવર્ડ નિયમીત બદલવા જોઇએ.
* પાસવર્ડ કેપિટલ લેટર્સ, નંબર, પ્રશ્નાર્થ ચિહ્ન જેવા ચિહ્નો સહિત દસ બાર આંકડાના રાખવા જોઇએ.
* બની શકે તો બધી રકમ એક જ બેન્ક એકાઉન્ટમાં ન રાખતા અલગ અલગ એકાઉન્ટમાં રાખવી જોઇએ.
* મોટી રકમ હોય તો બને તો ફિક્સ ડિપોઝીટ કરાવવી જોઇએ અને તેની મેચ્યોરીટી વખતે ક્યાં તો તે આપોઆપ રીન્યુ થાય અને ચુકવણી સીધી એકાઉન્ટમાં જ થઇ શકે તેવી સૂચના આપવી જોઇએ
* આવા કૌભાંડનો ભોગ ન બનાય એટલા માટે બેન્કના અધિકારીઅોની નિયમીત સલાહ લેતા રહેવું જોઇએ.