લંડનઃ જાતિય કનડગતના કેસમાં બેન્કર સ્વેતલાના લોખોવાને વળતર તરીકે £૩.૨ મિલિયન ચુકવવા એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલે આદેશ કર્યો છે. કેમ્બ્રિજ યુનિવર્સિટીની ગ્રેજ્યુએટ લોખોવાની રશિયાના સૌથી મોટા બેન્કિંગ લેન્ડર સ્બેરબેન્ક સીઆઈબીની લંડનસ્થિત ઓફિસના અધિકારીઓ દ્વારા જાતિય હેરાનગતિ કરવામાં આવતી હતી.
ચાર વર્ષની હેરાનગતિના પગલે સ્વેતલાનાની માનસિક હાલત ઘણી ખરાબ થઈ હતી. તેની અયોગ્યપણે નોકરીમાંથી હકાલપટ્ટી પણ કરાઈ હતી. સેન્ટ્રલ લંડન એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલે તેને કમાણીમાં ખોટ, લિંગભેદ આધારિત ત્રાસથી ઘવાયેલી લાગણીઓ અને ભારે નુકસાનને ધ્યાનમાં લઈ £૩,૧૯૯,૪૦૦નું વળતર ચુકવવાનો આદેશ કર્યો હતો.