લંડનઃ રોધરહામમાં યુવતીઓના જાતીય શોષણના કૌભાંડ પછી નવા નિયમોના અમલમાં આ ગુનામાં દોષિત ઠરેલા લોકલ ઓથોરિટીના પૂર્વ નાયબ નેતા જહાંગીર અખ્તર સહિત ૫૦ ટેક્સી ડ્રાઈવરોના લાઈસન્સ રદ કરાયા છે.
શહેરના ૧૧૦૦ પ્રાઈવેટ-હાયર અને ટેક્સી ડ્રાઈવરોના તપાસ અહેવાલમાં જણાયું કે ૬૭ ડ્રાઈવર લાઈસન્સ ધરાવવા માટે સક્ષમ નથી. સુનાવણી પછી ૪૭ ડ્રાઈવરના લાઈસન્સ રદ કરી દેવાયા હતા. બાળકો અને વૃદ્ધોની સલામતી અંગેની ફરજિયાત ટ્રેનિંગ પૂરી ન કરનારા વધુ ૧૭૧ ડ્રાઈવરના લાઈસન્સ સસ્પેન્ડ કરાયા હતા.
રોધરહામ કાઉન્સિલે જણાવ્યું કે મિ. અખ્તરનું લાઈસન્સ તાત્કાલિકપણે રદ કરી દેવાનો નિર્ણય ૧૨ મહિના પહેલા લેવાયો હતો. કોઈ કારણ જાહેર કરાયું નહોતું. પરંતુ કાઉન્સિલના પ્રવક્તાએ જણાવ્યું હતું કે લાઈસન્સ યથાવત રહેશે તો તે જાહેર સુરક્ષા માટે મહત્વની અને ગંભીર ચિંતાની બાબત બનશે તેવી માહિતી ન મળે ત્યાં સુધી આવો કોઈ નિર્ણય લઈ શકાય નહીં.