હોમ સેક્રેટરી થેરેસા મેએ પત્નીને મિત્રોને મળવા કે તેમને શોખ જાળવતા અટકાવતા અને નાણાકીય મુશ્કેલીમાં મૂકી ધાકધમકી આચરતા પતિદેવોની વર્તણૂકને ક્રિમિનલ અપરાધ બનાવ્યો છે. હિંસા નહિ પરંતુ અતિશય માનસિક અને લાગણીકીય અંકુશના વર્તનને આ અપરાધમાં સમાવી લેવાશે. તે માત્ર જીવનસાથી કે પાર્ટનર જ નહિ, પારિવારિક સંબંધોને પણ લાગુ પડશે. અગાઉ, સરકારે સંતાનોને પ્રેમ અને સ્નેહ નહિ આપતાં માતાપિતાને લાગણીકીય ક્રૂરતા માટે કાનૂની કાર્યવાહીને સિન્ડરેલા લો જાહેર કર્યો હતો. આ બંને કાયદા અત્યાર સુધી અંગત બાબતો લેખાતી પરિસ્થિતિઓમાં સરકારી આક્રમણનું પ્રતીક છે.
યુકેમાંથી ડીપોર્ટ બે જેહાદી ISISમાં જોડાયા
લંડનઃ બ્રિટનમાંથી જર્મની દેશનિકાલ કરાયેલા બે જેહાદી ક્રિશ્ચિયન એમ્ડે અને રોબર્ટ બાઉમ સીનિયર કમાન્ડર અને સુસાઈડ બોમ્બર તરીકે ઈરાક અને સીરિયામાં ISIS સાથે મળી યુદ્ધમાં જોડાયા હોવાનું બહાર આવ્યું છે. મુસ્લિમ બનેલા જર્મન નાગરિકો એમ્ડે અને બાઉમ ૨૦૧૧માં ઉદ્દામવાદી સાહિત્ય સાથે પકડાયા હતા અને તેમને સજા કરાયા પછી ડીપોર્ટ કરાયા હતા. બાઉમ તાજેતરના ISIS આત્મઘાતી વીડિયોમાં પોતાની જાતને ઉડાવી દેતો જણાયો હતો. ક્રિશ્ચિયન એમ્ડે મોસુલમાં જર્મન પત્રકાર સાથે મુલાકાતમાં જણાવ્યું હતું કે, ‘અમે એક દિવસ યુરોપને જીતી લઈશું, માત્ર સમયનો સવાલ છે. જેઓ ઈસ્લામમાં નહિ જોડાય અથવા ઈસ્લામિક ટેક્સ નહિ ચુકવે તેમને મારી નાખવામાં આવશે.’