લંડનઃ લેબર પાર્ટીના નવા નેતા જેરેમી કોર્બીનને રાષ્ટ્રગીત ‘ગોડ સેવ ધ ક્વીન’ નહિ ગાવાના મામલે મોટી પીછેહઠ કરવી પડી છે. કોર્બીને ભવિષ્યમાં તેઓ રાષ્ટ્રગીત ગાશે તેવી સ્પષ્ટતા કરી હતી. બેટલ ઓફ બ્રિટનના મેમોરિયલ દરમિયાન કોર્બીન રાષ્ટ્રગીત ગાવામાં જોડાયા ન હતા અને મૌન જાળવ્યું હતું. આ મુદ્દે શેડો કેબિનેટના અગ્રણી સભ્યો સહિતના લેબર સાંસદોએ તેમની ભારે ટીકા કરી હતી.
લેબર સાંસદોએ શેડો ચાન્સેલર જ્હોન મેકડોનેલના IRA શાંતિ પ્રક્રિયાના નિવેદનનો પણ વિરોધ કર્યો છે. કોર્બીનને વેલ્ફેર, અર્થતંત્ર અને યુરોપના મુદ્દે શેડો કેબિનેટમાં અસંતોષનો સામનો કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. કોર્બીન ચૂંટણી મેનિફેસ્ટોને વળગી રહે તેવું દબાણ કરાશે.