લંડનઃ જેલમાં રિમાન્ડ પર રખાયેલા બાળકોમાંથી લંડનના ૭૪ ટકા બાળકો અશ્વેત હોવાનું LBCની તપાસમાં બહાર આવ્યું છે. રિમાન્ડ પરના બાળકોને કોઈ અપરાધ માટે સજા કરાઈ હોતી નથી. આના બદલે જજ અથવા મેજિસ્ટ્રેટ દ્વારા એવો નિર્ણય અપાયો હોય છે કે તેમણે જેલમાં રહીને ટ્રાયલની રાહ જોવાની રહેશે. અહીં આ નિરાધાર, અસહાય અને સંભવતઃ નિર્દોષ બાળકોને મુશ્કેલીઓ અને રીઢા ગુનેગારોની સાથે રહેવાની ફરજ પડે છે.
LBCના આંકડા અનુસાર આ વર્ષના ફેબ્રુઆરીમાં રિમાન્ડ પર રખાયેલા લંડનના બાળકોમાંથી ૭૪ ટકા અશ્વેત હતા. આનાથી ઊંચી ટકાવારી ૮૮ ટકા અથવા ૧૦માંથી ૯ બાળકો અશ્વેત અથવા અન્ય વંશીય લઘુમતી પશ્ચાદભૂ સાથેના હતા. ચેરિટી ટ્રાન્સફોર્મ જસ્ટિસને આ માહિતી ફ્રીડમ ઓફ ઈન્ફર્મેશન એક્ટ હેઠળ અપાઈ હતી. ગયા વર્ષે આ આંકડા ૯૦ ટકા જેટલા ઊંચા હતા. ગત વર્ષે મોટા ભાગના સમયે રિમાન્ડ પર રખાયેલા લંડનના અશ્વેત બાળકોની સંખ્યા ૬૦ ટકા હતી તે ફેબ્રુઆરી સુધીમાં વધીને ૭૪ ટકા થઈ હતી.
વિરોધાભાસ તો એ છે કે ૨૦૧૬ના ગ્રેટર લંડન એસેમ્બલી ડેટા અનુસાર લંડનમાં અશ્વેતોની વસ્તી આશરે ૧૩ ટકા છે. લંડનની અશ્વેત અને વંશીય લઘુમતી સમૂહની વસ્તી સમગ્રતયા આશરે ૪૪ ટકા હોવાનું મનાય છે.
લંડનમાં રિમાન્ડ પર રખાયેલા અશ્વેત અને વંશીય લઘુમતી બાળકોની સંખ્યા ઈંગ્લેન્ડ અને વેલ્સના આંકડા અનુક્રમે ૫૭ ટકા અને માત્ર ૩૩ ટકાની સરખામણીએ ઘણી વધારે છે.