શ્રી જૈન સંઘ-ઇસ્ટ લંડન એન્ડ એસેક્સના ભગિની મંડળને ૨૫ વર્ષ પૂરાં થતાં તા.૧૮ જૂન, શનિવારે લેટન વિસ્તારના હરિબેન બચુભાઇ નાગ્રેચા મેમોરિયલ હોલમાં સમગ્ર જૈન મહિલાઓનું "નવનાત ત્રિવેણી સંગમ"નું આયોજન કર્યું હતું. આ પ્રસંગે નોર્થ લંડન, સાઉથ લંડન, વેસ્ટ લંડન, લૂટન, લેસ્ટર અને માંચેસ્ટર સહિત યુ.કેભરમાંથી ૫૫૦થી વધુ નવનાતી સન્નારીઓ સુંદર વસ્ત્રોમાં સજી-ધજીને કોચ અને ગાડીઓ દ્વારા લેટનના આ હોલમાં ઉમંગભેર આવ્યાં હતા. ઠેર ઠેરથી આવેલી આ જૈન ભગિનીઓએ વિસ્તાર પ્રમાણે "કલર કોડ" મુજબ વસ્ત્રો પરિધાન કર્યાં હતાં. ઇસ્ટ લંડન-એસેક્સ જૈન સંઘના પ્રમુખ શ્રી હર્ષદભાઇ કોઠારી અને ભગિની મંડળના પ્રમુખ શ્રીમતી હર્ષિદાબહેન મહેતાએ સૌનું અભિવાદન કરી સવારે ગરમાગરમ બ્રેકફાસ્ટ, બપોરે લંચ અને સાંજે સ્વાદિષ્ટ ડિનરની સુંદર વ્યવસ્થા કરી હતી. આ પ્રવૃત્તશીલ નવનાતી જૈન ભગિનીઓએ કાર્યક્રમનું મુખ્ય હાર્દ "ડાન્સ" (નૃત્ય) રાખ્યું હતું જેમાં દરેક વિસ્તારમાંથી આવેલી બહેનોએ ભારતીય, એરેબિક, આફ્રિકન, સ્પેનીશ તથા જાપાનીઝ નૃત્યો રજૂ કર્યા હતા. આ ઉપરાંત સૌ કોઇ ભાગ લઇ શકે એવી રમૂજભરી રમતોનું આયોજન કર્યું હતું. યુવાનોએ 'બ્લાઇન્ડ ડેટ્સ'ની રજૂઆત કરી સૌને ખુશ કરી દીધા હતા. ઇસ્ટ લંડન-એસેક્સ ભગિની મંડળે એમની સ્થાપનાની રજત જયંતિ નિમિત્તે સુંદર, રંગીન વિશેષાંક પ્રસિધ્ધ કર્યો હતો જેનો લોકાર્પણ વિધિ પ્રમુખશ્રી હર્ષદભાઇ, નાગ્રેચા બંધુ શ્રી વિનુભાઇ, હસુભાઇ અને બહેન શ્રીમતી ઉર્મિબહેન તથા ગુજરાત સમાચારના મેનેજીંગ એડિટર કોકિલાબેન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.