લંડનઃ હેરો ક્રાઉન કોર્ટે જોખમી અને બેદરકારીભર્યું ડ્રાઈવિંગ કરીને ૭૮ વર્ષીય પેન્શનર હંસરાજ દામજીનું મોત નીપજાવવા બદલ રાયસ્લિપના પાઈન ગાર્ડન્સમાં રહેતા ૩૮ વર્ષીય અલ-કરીમ વિસરામને હેરો ક્રાઉન કોર્ટે ૩૦ નવેમ્બરે ત્રણ વર્ષની જેલની સજા ફટકારી હતી અને ત્રણ વર્ષ સુધી ડ્રાઈવિંગ માટે ગેરલાયક ઠેરવ્યો હતો.
વિસરામ ગત ૧૫મી માર્ચે સાંજે હેરોના એલેક્ઝાન્ડ્રા એવન્યુમાં કાર લઈને જઈ રહ્યો હતો ત્યારે તેણે રસ્તો ક્રોસ કરતા દામજીને અડફેટે લેતા તેઓ રસ્તાની બાજુએ પટકાયા હતા. આ પછી વિસરામે કાર સાઈડ પર લેવામાં દામજીના પગ પર ચડાવી દેતા તેમને વધુ ઈજા થઈ હતી. હોસ્પિટલે લઈ જવાયેલા દામજીને ડોક, પીઠ અને પગના ફ્રેક્ચરની સારવાર અપાઈ હતી. જોકે, થોડા સમય બાદ ન્યૂમોનિયા થતાં તેમનું ગત ૧૯ એપ્રિલે મૃત્યુ થયું હતું. સ્પેશિયલ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જણાવાયું હતું કે હંસરાજ દામજીનું મૃત્યુ ન્યૂમોનિયા તથા ડાબા પગે અને કરોડરજ્જુને ઈજાને લીધે થયું હતું.