લંડનઃ ભારતમાં જન્મેલા ૩૩ વર્ષીય બિધ્યાસાગર દાસની તેના જોડિયા બાળકો પર જીવલેણ હુમલો કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. હત્યા કર્યા પછી દાસ નાસી છૂટ્યો હતો. દાસને જોડિયા બાળકો પોતાના ન હોવાની શંકા હોવાથી તેણે આ કૃત્ય આચર્યાનું મનાય છે. તેણે ૧૮ મહિનાના પુત્ર ગેબ્રીઅલને માથામાં હથોડાના ઘા માર્યા હતા, પરિણામે હોસ્પિટલમાં તેનું મોત નીપજ્યું હતું. તેની જોડકી બહેન મારિયાની હાલત અતિ ગંભીર છે અને મોત સામે ઝઝૂમે છે. દાસની રોમાનિયન પાર્ટનર ક્રિસ્ટિનેલા ડાટ્કુએ બાળકોને જીવલેણ હાલતમાં જોતાં તે ‘માય કિડ્સ, માય કિડ્સ’ બોલતી શેરીમાં ધસી ગઈ હતી.
સ્કોટલેન્ડ યાર્ડે જણાવ્યું હતું કે નોર્થ લંડનના ફિન્સબરી પાર્ક નજીકના એક ફ્લેટમાં બાળકની હત્યા અને તેની જોડિયા બહેન પર જીવલેણ હુમલાના પ્રયાસની શંકાએ ભારતીય બિધ્યા દાસની ધરપકડ કરવામાં આવી છે. ક્રિસ્ટિનેલા ડાટ્કુ હત્યાના સમયે શાવર લેતી હતી અને બહાર આવી તેણે જોયું કે ગેબ્રીઅલ ચેલ્લા શ્વાસ લઈ રહ્યો છે. તેના માથા પર હથોડાના ઘા વાગેલા હતા. હત્યા કર્યા પછી દાસ નાસી ગયો હતો અને ૨૦ કલાક પછી લંડનના હેકને ખાતેથી તે મળી આવ્યો હતો. એક બેડરુમના ફ્લેટથી થોડે દૂર ફેંકી દેવાયેલી મોટો હથોડો પોલીસને મળી આવ્યો હતો અને ફોરેન્સિક અધિકારીઓ દ્વારા તેનું પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું છે.
મિત્રોએ દાસને ભારે ઈર્ષાળુ ગણાવ્યો હતો. ભારતમાં જન્મેલા હોટેલ વર્કરને તેના બન્ને સંતાન શ્વેત હોવાથી તેમનો પિતા પોતે હોવા વિશે શંકા ઉપજી હતી. સાત વર્ષ એક જ લોકલ બજેટ હોટેલમાં કામ કર્યા પછી આ કરુણાંતિકાના બે દિવસ અગાઉ જ દાસે નાઈટ રિસેપ્સનિસ્ટની નોકરી અચાનક છોડી દીધી હોવાનું પણ તેના સાથીઓએ જણાવ્યું હતું. આ જ હોટેલમાં મિસ ડાટ્કુ મેઈડ તરીકે કામ કરે છે.
ઈજાગ્રસ્ત બાળકોને હોસ્પિટલમાં વેન્ટિલેટર્સ પર મૂકાયા હતા પરંતુ, ગેબ્રીઅલને બચાવી શકાયો ન હતો.
મિસ ડાટ્કુની બેસ્ટ ફ્રેન્ડ અને ૨૮ વર્ષીય રોમાનિયન મહિલાએ કહ્યું હતું કે ડાટ્કુએ હુમલા અગાઉ તેની માતા સાથે વાતચીત પણ કરી હતી. તેની માતા રજાઓ ગાળવા આવવાની હતી અને તેને હુમલા વિશે કોઈ જાણ પણ ન હોવાનું આ મિત્રે કહ્યું હતું. આ મહિલાએ તેને દાસને છોડી દેવાની સલાહ આપી હતી પરંતુ, તે સાંભળવા તૈયાર ન હતી. દાસનો બાળકો સાથે વ્યવહાર સારો હતો પરંતુ, ઘણી વખત તે બોલ્યા કરતો કે આ બાળકો કદાચ મારા નથી. આ જ બિલ્ડિંગમાં રહેતા અને તે જ હોટલમાં નોકરી કરતા મીહાઈ માનેએ જણાવ્યું હતું કે તે સામાન્ય ખુશ પરિવાર હતો અને પાર્ટનર સાથે તે લગ્ન પણ કરવાનો હોવાનું તે કહેતો હતો. તેણે બે દિવસ અગાઉ જ નોકરી છોડી હતી.