લંડનઃ લોર્ડ હેરિસ ઓફ પેન્ટેગાર્થે સરકાર જ્ઞાતિનો સમાવેશ કરવા માટે ઈક્વલિટી એક્ટ ૨૦૧૦ ક્યારે સુધારવાનો ઈરાદો રાખે છે તેવો પ્રશ્ન હાઉસ ઓફ લોર્ડ્સમાં ઉઠાવ્યો હતો. ગયા વર્ષે તેમણે સરકારની ઈચ્છા વિરુદ્ધ આ યોજના રજૂ કરી હતી. લોર્ડ હેરિસના પ્રશ્નનો ઉત્તર વાળતા લોર્ડ પોપટે સુધારા વિરુદ્ધ મજબૂત ચિંતાને વાચા આપતા જણાવ્યું હતું કે,‘બહુમતી બ્રિટિશ હિન્દુ અને શીખ સમુદાય ઈક્વલિટી એક્ટમાં સુધારા સામે રોષિત છે.’ સરકાર વતી બેરોનેસ વિલિયમ્સે કહ્યું હતું કે સરકાર ‘કાસ્ટ ડિસ્ક્રિમિનેશનનો વિરોધ’ કરે છે અને ઈક્વલિટી એક્ટ સુધારવા પ્રતિબદ્ધ નથી. ઈક્વલિટી એક્ટ ૨૦૧૦ના સેક્શન ૯માં એથનિક ઓરિજિન્સ એલીમેન્ટ હેઠળ જ્ઞાતિ સાથે સંબંધિત ભેદભાવના દાવાઓ સંદર્ભે કાનૂની ઉપાયો અસ્તિત્વમાં હોવાની નોંધ લે છે
લોર્ડ પોપટે ઉમેર્યું હતું કે,‘આ સુધારાનો અમલ આ મહાન દેશમાં સામુદાયિક સંવાદિતા માટે ફટકો બની રહેશે અને સરકારે તેને કાયદાના પુસ્તકમાંથી દૂર કરવાનો કાયદો ઘડવા વિશે મિનિસ્ટર હિન્દુ સંસ્થાઓ સાથે સંમત થાય છે ખરા?
ગુજરાત સમાચાર- એશિયન વોઈસ સાથે ખાસ વાત કરતા લોર્ડ પોપટે જણાવ્યું હતું કે,‘બ્રિટિશ ભારતીય કોમ્યુનિટી દ્વારા કાયદામાં બદલાવનો આટલો વિરોધ થયાનું મેં કદી જોયું નથી. આ ફેરફાર કેમ કરાયો છે તે ઘણાં લોકો સમજ્યાં નથી, જ્ઞાતિ ભેદભાવ એવી બાબત છે જે આપણે યોગ્યપણે પાછળ છોડી દીધી છે અને ૨૧મી સદીના બ્રિટનમાં તેને પરિબળ બનાવવાનો પ્રયાસ ભારે ઘૃણાસ્પદ છે.’
જોકે, લોર્ડ દેસાઈ, બેરોનેસ ફ્લેધર અને લોર્ડ સિંહ સહિત અનેક ઉમરાવોએ જ્ઞાતિ ભેદભાવ સુધારાની તરફેણ કરી હતી. સુધારાના વિરોધનો પ્રત્યાઘાત આપતાં બેરોનેસ ફ્લેધરે કહ્યું હતું કે,‘જો કોઈ જ્ઞાતિ ભેદભાવ ન હોય તો સારું જ છે.... પરંતુ તેઓ જે રીતે લડત આપી રહ્યાં છે તેનાથી મને લાગે છે કે ભેદભાવ છે.’ લોર્ડ સિંહની દલીલ હતી કે,‘સમગ્ર શીખ સમુદાય અને શીખ ઉપદેશો સંપૂર્ણપણે જ્ઞાતિની કલ્પનાનો વિરોધ કરે છે.’