લંડનઃ સોફ્ટ ડ્રિન્કના બદલે જ્યુસરથી ફળોના તાજા રસ કાઢવાનું લોકપ્રિય બની રહ્યું છે. જોકે, નિષ્ણાતો કહે છે કે તેનાથી જાહેર આરોગ્ય માટે મોટો ખતરો ઉભો થઈ શકે છે. જ્યુસરમાં ફળોનો રસ કાઢવામાં તેમાં ઉમેરાતી ખાંડનો અંદાજ રહેતો નથી. તાજા ફળોની સરખામણીએ આવા રસમાંથી મળતાં સારા તત્વોનું પ્રમાણ ઘટી જાય છે.
જ્યુસરથી ફળોનો રસ કાઢવામાં આવે ત્યારે માવો અથવા ફાઈબર તેનાથી અલગ થઈ જાય છે, જે ફેંકી દેવાય છે. રસમાં શર્કરા તો રહે છે,પરંતુ ગુમાવેલા ફાઈબર શરીરમાં કુદરતી શર્કરાનું ધીમું પાચન અને શોષણ કરવા માટે આવશ્યક હોય છે. લંડનસ્થિત કાર્ડિયોલોજિસ્ટ અસીમ મલ્હોત્રા કહે છે કે રસમાં રહેલી પ્રવાહી શર્કરાના ભારે પ્રમાણ સામે ફળોથી થતાં ફાયદા ઘટી જાય છે. આવા ફ્રૂટ જ્યુસથી ટાઈપ ટુ ડાયાબીટીસ થવાનું જોખમ પણ વધે છે.