બ્રિટિશ ચાન્સેલર જ્યોર્જ ઓસ્બોર્ને ૧૮ માર્ચ, બુધવારના દિવસે સામાન્ય ચૂંટણી અગાઉનું આખરી બજેટ રજૂ કર્યું છે. બજેટની મહત્ત્વપૂર્ણ દરખાસ્તો આ મુજબની છેઃ
• વર્કરોએ ટેક્સ ભરવો પડે તે મર્યાદા બે સપ્તાહમાં વધીને £૧૦,૬૦૦ થશે, જે આગામી વર્ષે £૧૦,૮૦૦ અને તે પછીના વર્ષે £૧૧,૦૦૦ થશે. આનો અર્થ એ છે કે ૨૭ મિલિયન વર્કરોના ટેક્સ બિલ ઘટશે અને સામાન્ય વર્કરને વાર્ષિક £૯૦૦ નો ફાયદો થશે. ઓછું વેતન ધરાવતાં આશરે ચાર મિલિયન વર્કર ટેક્સની જાળમાંથી બહાર આવી જશે.
• બચત પર લાગતા વ્યાજમાં પ્રથમ £૧૦૦૦ વ્યાજ પર તમામ ટેક્સ નાબૂદ કરાયો છે. અત્યાર સુધી £૪૨,૭૦૦થી ઓછી કમાણી કરનારને તેમની બચત પરના વ્યાજ માટે ૨૦ ટકાના દરે ટેક્સ ભરવો પડતો હતો, જ્યારે £૧૫૦,૦૦૦ સુધી કમાનારને ૪૦ ટકાના દરે ટેક્સ ભરવાનો થતો હતો. નવા પગલાંથી ૯૫ ટકા અથવા ૧૭ મિલિયન જેટલા બચતકારોને વ્યાજ પર ટેક્સ ભરવો નહિ પડે.
• તમારે ૦૬ એપ્રિલથી £૩૧,૭૮૫ની કમાણી પર ૨૦ ટકાના હિસાબે ટેક્સ ભરવાનો થશે. આથી વધુ કમાણી માટે ૪૦ ટકાનો ટેક્સ લાગશે. આમ ઊંચી કમાણી કરનારને £૪૨,૩૮૫ની આવકથી ૪૦ ટકા ઈન્કમ ટેક્સ લાગશે. વર્ષ ૨૦૧૭-૧૮ સુધી આ મર્યાદા વધીને £૪૩,૩૦૦ સુધી પહોંચશે.
• ઓછાં ખર્ચાળ એન્યુઈટી દરોમાં જકડાયેલાં પાંચ મિલિયન પેન્શનરો તેમના નિવૃત્તિ ડીલ્સની રોકડી કરી શકશે. નિવૃત્તિ તરફ જતાં લોકોને ઓફર કરાયેલી કેટલીક આઝાદી વર્તમાન પેન્શનરોને પણ અપાઈ છે. જે પેન્શનરોએ તેમની એન્યુઈટી ઉપાડી લીધી છે તેઓ પણ આગામી વર્ષના એપ્રિલથી ઉચ્ચક રકમ માટેનો અધિકાર મેળવશે.
• પોતાના એકાઉન્ટન્ટની સલાહને અનુસર્યા હોવાની દલીલ હવે ચાલી શકશે નહિ. આવી દલીલથી પ્રોસિક્યુશન ટાળતા લોકોને અટકાવવા નવો ‘સ્ટ્રીક્ટ લાયાબિલિટી ક્રિમિનલ ઓફેન્સ’ દાખલ કરવામાં આવશે. લોકોને ટેક્સમાંથી છટકવાનું શીખવતા મદદગાર એકાઉન્ટન્ટ્સ અને કેટલીક કંપનીઓ પણ ગુનામાં આવશે.
• સરકાર પ્રથમ વખત ઘર ખરીદનારાને £૩,૦૦૦નું પ્રોત્સાહન આપશે. ‘હેલ્પ-ટુ-બાય ISA’ યોજના હેઠળ ખોલાનારા નવા સેવિંગ્સ એકાઉન્ટમાં પ્રતિ £૨૦૦ની બચત સામે સરકાર £૫૦ ઉમેરશે. આમ, £૧૨,૦૦૦ની બચત સામે £૩,૦૦૦ સરકાર આપશે. એકાઉન્ટ £૧,૦૦૦ની પ્રાથમિક ડિપોઝિટ સાથે ચાર વર્ષ સુધી જ ખોલી શકાશે અને મહિને £૨૦૦ સુધીની જ બચત કરી શકાશે.
• લંડનમાં પ્રથમ વખત ઘર ખરીદનારાને £૪૫૦,૦૦૦ના મૂલ્યનું ઘર ખરીદવા બોનસનો ઉપયોગ કરી શકશે. અન્ય સ્થળો માટે મકાનના મૂલ્યની મર્યાદા £૨૫૦,૦૦૦ રહેશે. હવે લંડનમાં પ્રથમ વખત ઘર ખરીદનારાને આશરે £૭૦,૦૦૦ની અને અન્ય સ્થળોએ પ્રથમ ઘર ખરીદવા £૩૦,૦૦૦ની જરૂર પડશે.
• દેશના અડધાથી વધુ વિસ્તારોમાં હેલ્પ ટુ બાય યોજનામાં લોકો £૧૦,૦૦૦થી ઓછી ડિપોઝિટથી મકાન ખરીદી શકશે.
• ચાન્સેલરે સપ્ટેમ્બરથી ફ્યુલ ડ્યુટીમાં થનારો વધારો રદ કર્યો છે. આથી કારમાં પેટ્રોલ ભરાવવામાં £૧૦નો ફાયદો થશે.
• ચાન્સેલરે સિગારેટની ડ્યુટી વધારવા સાથે બિયર, સિડાર અને સ્કોચ વ્હિસ્કીની ડ્યુટી ઘટાડી છે.
• પ્રતિષ્ઠિત આર્થિક આગાહીકાર ધ નેશનલ ઈન્સ્ટિટ્યુટ ફોર ફિસ્કલ સ્ટડીઝ દ્વારા કહેવાયું છે કે આગામી વર્ષથી લોકો વધુ લાભની સ્થિતિમાં આવશે.
• ટોરી પાર્ટીએ ખાતરી આપી છે કે સામાન્ય ચૂંટણી પછીના મહિનાઓમાં આશરે ૧૦ લાખ લોકો ૪૦ ટકાના કરદરની જાળમાંથી બહાર આવી જશે. ચાન્સેલરે બુધવારે જણાવ્યું હતું કે તેઓ મધ્યમવર્ગીય લોકોને ૪૦ ટકાની કરજાળમાંથી મુક્ત કરવાનો મત ધરાવે છે, પરંતુ સરકારના સહયોગી લિબરલ ડેમોક્રેટ્સે તેમને આમ કરતા અટકાવ્યા હતા. સામાન્ય ચૂંટણી પછીના ટોરી બજેટમાં લોકોને વાર્ષિક £૧૩૦૦નો લાભ થશે.
• આગામી વર્ષથી એન્યુઈટીઝને રોકડમાં ફેરવવા સામે ૫૫ ટકાનો ટેક્સ લાગતો હતો તે રદ કરાશે અને માર્જિનલ દરે જ ટેક્સ લાગશે.
• વાર્ષિક ટેક્સ રિટર્નનો અંત આવશે. લાખો લોકો હવે HMRC માટે જાણવા જરૂરી માહિતી ‘ડિજીટલ ટેક્સ એકાઉન્ટમાં’ અપલોડ કરી શકશે. બિઝનેસીસને આ પેરફારથી લાભ થશે. આ પગલાંની વિગતો હવે જાહેર કરાશે.
• કંપનીઓએ આ વર્ષથી જ ૨૧ વર્ષથી ઓછી વયના કર્મચારી માટે અને આગામી એપ્રિલ માસથી એપ્રેન્ટિસ માટે નેશનલ ઈન્સ્યુરન્સ ફાળો ચુકવવાનો નહિ રહે. કોર્પોરેશન ટેક્સ એક ટકાનો ઘટાડો થઈ ૨૦ ટકા થશે. ઓક્ટોબર મહિનાથી લઘુતમ વેતન ૨૦pના વધારા સાથે પ્રતિ કલાક £૬.૭૦ થશે. ખેડૂતોને ટેક્સના હેતુસર તેમની આવક પાંચ વર્ષ સુધી સરેરાશ ગણવાની છૂટ મળશે.
• બેન્કિંગ લેવીમાં ૦.૨૧ ટકાનો વધારો કરાયો છે, જેનાથી વર્ષે વધારાની £૯૦૦ મિલિયન આવક થશે. કોર્પોરેશન ટેક્સના બિલો સામે દંડ અને PPI પેમેન્ટ્સને માંડવાળ કરી શકાશે નહિ. સરકાર નોર્ધર્ન રોક અને બ્રેડફર્ડ એન્ડ બિંગલીના બેઈલ આઉટ્સમાંથી બાકી £૧૩ બિલિયનની મોર્ગેજ એસેટ્સ તેમ જ લોઈડ્ઝ બેન્કિંગ ગ્રૂપના £૧૩ બિલિયનના શેર્સનું વેચાણ આગામી વર્ષે કરશે.
• નોર્થ સી ઓઈલ એન્ડ ગેસને £૧.૩ બિલિયનની ટેક્સ રાહતો જાહેર કરાઈ છે, જેમાં પેટ્રોલિયમ રેવન્યુ ટેક્સ ૫૦ ટકાથી ઘટાડી ૩૫ ટકા અને ‘સપ્લીમેન્ટરી ચાર્જ’ ૩૦ ટકાથી ઘટાડી ૨૦ ટકા કરાયો છે. આનાથી પ્ટેરોલિયમ ઉત્પાદનમાં ૧૫ ટકાની વૃદ્ધિની આશા છે.
• આ ઉપરાંત, લિબોર ફાઈન્સના £૭૫ મિલિયન મિલિટરી ચેરિટીઝ, પીઢ સૈનિકો, ઈરાક અને અફઘાન યુદ્ધના શહીદોના સ્મારક માટે ફાળવાશે. ચર્ચ રૂફ ફંડમાં વધારો, ૧૦૦ મેગાબિટ્સ પર સેકન્ડ અલ્ટ્રાફાસ્ટ બ્રોડબેન્ડની ખાતરી, ડ્રાઈવરલેસ કારમાં £૧૦૦ મિલિયનનું રોકાણ સહિતના પગલાં પણ બજેટમાં જાહેર કરાયા છે.