લંડનઃ પૂર્વ સાંસદ અને રિસ્પેક્ટ પાર્ટીના નેતા જ્યોર્જ ગેલોવેએ પૂર્વ તેમના પાર્લામેન્ટરી સહાયક મિસ આયશા અલી ખાન સામે કરેલા બદનક્ષીભર્યા આક્ષેપો બદલ જાહેર માફી માગી છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે મિસ ખાને પૂર્વ કાઉન્ટર ટેરરિઝમ ઓફિસર અને પૂર્વ પતિ મોહમ્મદ આફિઝ ખાન સાથે સેક્સ્યુઅલ પ્રવૃત્તિ માટે તેમના સાઉથ લંડનસ્થિત મકાનનો ઉપયોગ કર્યો હતો. એવો પણ આક્ષેપ કરાયો હતો કે પૂર્વ કાઉન્ટર ટેરરિઝમ ઓફિસર મોહમ્મદ સાંસદ ગેલોવેને નુકસાન કરવા માટે ખોટી માહિતી ફેલાવતા હતા અને તેમના સ્ટાફની વ્યક્તિ દ્વારા તેને મદદ કરાતી હતી.
રિસ્પેક્ટ પાર્ટીના નેતાએ બદનક્ષીના કેસમાં મિસ આયશાને લીગલ કોસ્ટ અને ડેમેજિસ પેટે પાંચ આંકડાની રકમ ચૂકવી હોવાનું કહેવાય છે. ગેલોવે ૨૦૧૨માં બેડફર્ડ વેસ્ટનું બાય ઈલેક્શન જીત્યા હતા તે પછી તેમને મિસ આયશા સાથે વિખવાદ થતો હતો.
કોર્ટમાં ગેલોવે હાજર નહોતા. પરંતુ, તેમના વકીલ એડમ સ્પેકરે જણાવ્યું હતું કે બદનક્ષીભર્યા આક્ષેપો બદલ બચાવપક્ષ માફી માગે છે અને તમામ આક્ષેપો પાછા ખેંચે છે.