લંડનઃ બિલાડીના પેટમાં ખીર અને સ્ત્રીનાં પેટમાં વાત ટકતી નથી એવી એક વક્રોક્તિ છે. જોકે, આ વાત સાચી લાગતી નથી કારણ કે સાઉથ વેલ્સની અને ચાર સંતાનની માતા ઝેના કૂપરે ૩૮ વર્ષથી પોતે અંધ હોવાની હકીકત દુનિયાથી છુપાવી હતી. તેના માતાપિતા જ નહીં, તેના પતિ પણ આ હકીકતથી અજાણ જ રહ્યાં હતાં. અંધ હોવાં છતાં ૪૨ વર્ષીય ઝેનાએ એવી આગવી પદ્ધતિઓ વિકસાવી હતી કે તે નરી આંખે જોઇ શકતા લોકોને પણ અંધારામાં રાખી શકી હતી. જોકે આપણે સત્યને ગમેતેટલું છુપાવીએ પણ એક તબક્કે તો તે બહાર આવી જ જતું હોય છે, અને ઝેનાના કિસ્સામાં પણ આવું જ બન્યું છે.
સાઉથ વેલ્સના અમ્માનફોર્ડમાં જન્મેલી ઝેનાને શરીરના કનેક્ટિવ ટિસ્યુઝ સંબંધિત મારફાન સિન્ડ્રોમ (Marfan Syndrome) નામે જિનેટિક વિકૃતિ હતી, જેની અસર હૃદય, ફેફસાં, હાડકાં, સાંધાઓ અને આંખને થઈ શકે છે. આ વિકૃતિ ૧૦માંથી છ લોકોને અસર કરી શકે છે. ઝેનાની આંખના લેન્સ ખસી જવાથી આંખ કામ કરતી બંધ થઈ ગઈ હતી. ઝેનાના ચારમાંથી ત્રણ બાળકોને પણ આ સિન્ડ્રોમની અસર છે.
ઝેના કહે છે કે, ‘હું નાની હતી ત્યારે બધાંથી અલગ હોવાની સમજ ન હતી. બધાંને ધૂંધળું જ દેખાતું હશે તેમ માનતી હતી. સુગંધથી જ ખોરાકને ઓળખી શકતી હતી. વર્ષો વીત્યાં પછી તમે અંધ છો તેવું દુનિયાને કહેવામાં ઘણું મોડું થઈ ગયાનું મને લાગ્યું હતું.’
ઝેના જનરલ નેશનલ વોકેશનલ ક્વોલિફિકેશન્સની પરીક્ષા સારા માર્કે પાસ કરી સાઈકિયાટ્રિક નર્સ પણ બની છે. તેણે કોમ્પ્યુટર સ્ક્રીન ૧૨૦૦ ટકા એન્લાર્જ કરીને અભ્યાસ કર્યો અને માસ્ટર્સ ડીગ્રી મેળવી છે. ઝેના શાળાના કાઉન્સેલર તરીકે કામ કરે છે. તેણે પોતાનું અંધત્વ છુપાવવા આવવા-જવાના માર્ગોને બરાબર યાદ કરી લીધાં હતાં, માર્ગ કઈ તરફ વળે છે, ફૂટપાથ ક્યારે આવે છે તે તમામ તેના મગજમાં ફીટ થઈ ગયું હતું.
ઝેના કહે છે કે, ‘હું સતત વિચારની સ્થિતિમાં રહેતી અને આગોતરું આયોજન કરતી હતી. મારી શ્રવણશક્તિ પણ તીવ્ર બની હતી. લોકો તો એમ જ માને છે કે અંધ લોકોને કાળાશ કે અંધકાર જ દેખાતો હશે પરંતુ, અમારાંમાંથી ૯૦ ટકાને પ્રકાશનો જરાતરા અનુભવ થાય છે.’ એક સમયે ઝેનાને દૃષ્ટિ સુધારવા ચશ્મા પહેરાવાયાં પરંતુ, તેનાથી કોઈ લાભ ન હોવાં છતાં માતાપિતાને ચિંતા થાય તે કારણે ઝેનાએ તેમનાથી આ હકીકત છુપાવી હતી.
તે અંધ હોવાનું જાહેર થવાને ચાર વર્ષ થઈ ગયાં છે. તેની પાસે કાઉન્સેલિંગ માટે આવેલા એક વિદ્યાર્થીને સરખી ઊંચાઈ અને સમાન અવાજના કારણે અન્ય વિદ્યાર્થી માની લેવાથી તેની ઓળખમાં ભૂલ થઈ હતી. આ ભૂલ કદાચ સામાન્ય બાબત ગણાય પરંતુ, ઝેના માટે તે બહુ મોટી બાબત હતી કારણ કે આટલાં વર્ષોથી તેણે પોતાનો અંધાપો છુપાવવા જે રણનીતિઓ કે પદ્ધતિઓ ઉપયોગમાં લીધી હતી તે નિષ્ફળ ગઈ હતી.
વિદ્યાર્થીની ઓળખમાં ભૂલની ઘટના પછી હારબંધ ભૂલો થતી જ ગઈ. જે જાણીતા માર્ગે જતી હતી ત્યાં તેની યાદશક્તિએ થોડો દગો દીધો અને તે રોડની બહાર પહોંચી ગઈ. હવે તેને નિખાલસપણે પોતાની અક્ષમતાને સ્વીકારી મદદ માગવાની જરૂરતનો અહેસાસ થયો હતો. આ પછી તેણે ગાઈડ ડોગનો વ્યવહારુ ઉપયોગ શરૂ કર્યો છે.
ઝેના કહે છે, ‘દેખતાં લોકો મગજનો જેટલો ઉપયોગ નથી કરતા તેનાથી અનેકગણો ઉપયોગ મેં કર્યો છે. દૃષ્ટિહીનતા મારાં માટે આશીર્વાદ બની હતી. હું લોકોનાં મિજાજ પારખી શકું છું, તેમના સ્મિતને અનુભવી શકું છું. મેં મારાં બાળકોનાં ચહેરા કદી જોયાં નથી. હું લોકોના દેખાવ પરથી તેમના વિશે ધારણા કરી શકતી નથી પરંતુ, મને લાગે છે કે હું તેમના હૃદયમાં ડોકિયું કરી શકું છું.’ તે લોકોને તેમની વાસ કે પરફ્યૂમથી પણ ઓળખતી થઈ હતી. જોકે, ઝેના વિશે પ્રશંસા કરવા જેવું ઘણું છે. તેની ક્ષમતા, તેની ઊર્જા, પોતાની સ્થિતિ જણાવવા સાથે આશ્ચર્યજનક કહેવાય તેવું ઊંડાણ અને તેને પાર પાડવા સાથેનો રમૂજી સ્વભાવ કાબિલેદાદ છે.