લંડનઃ ઈસ્ટ લંડનના ટાવર હેમલેટ્સ બરોના પૂર્વ મેયર લુત્ફુર રહેમાન સામે ક્રિમિનલ ઈન્ક્વાયરી શરૂ કરવા મેટ્રોપોલિટન પોલીસ વિચારણા કરી રહી છે. રોયલ કોર્ટ ઓફ જસ્ટિસમાં જજ દ્વારા 10 સપ્તાહની સુનાવણી પછી ગુરુવાર, ૨૩ એપ્રિલે ચુકાદો અપાયો હતો. ચૂંટણીમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિ માટે દોષિત ઠરાવાયેલા રહેમાનને તત્કાળ તેમનો હોદ્દો છોડી દેવા આદેશ ગયા મે મહિનામાં કરાયો હતો. તેમને ચૂંટણીમાં જાતિ અને ઈસ્લામોફોબિયા કાર્ડનો ઉપયોગ કરવા બદલ ફરી ઉમેદવારી કરવા પ્રતિબંધિત કરાયા છે. બીજી તરફ, તેમને વિટનેસ બોક્સમાં જુઠું બોલવા બદલ વકીલના વ્યવસાયમાંથી પણ ફારેગ કરાય તેવી શક્યતા છે. બરોના મેયરપદ માટે જૂનની મધ્યમાં ચૂંટણી થવાની શક્યતા છે.
બરોના ચાર રહેવાસી અરજદારોએ ગત વર્ષની મેયરપદની ચૂંટણીને રદ કરવા અપીલ કરી હતી. લુત્ફુર રહેમાન અને તેમના ટેકેદારોએ સત્તા હાંસલ કરવા સ્થાનિક ઈમામો મારફત ધાર્મિક ધાકધમકીનો ઉપયોગ, મત ગેરરીતિ અને તેમના લેબર પાર્ટીના હરીફને ખોટી રીતે રંગભેદી ચીતર્યા હોવાનું કોર્ટે માન્યું હતું. તેમણે મત ખરીદવા સ્થાનિક ગ્રાન્ટ્સની ફાળવણી કરી હતી. જજ રિચાર્ડ માવરીએ ચુકાદામાં સ્પષ્ટ કર્યું હતું કે ગેરકાયદે અને ભ્રષ્ટ રીતરસમો પાછળ રહેમાન જ હોવામાં કોઈ શંકા નથી. રહેમાનને એક મિલિયનના આંકડે પહોંચી જનારા કાનૂની ખર્ચના બિલમાંથી તત્કાળ £૨૫૦,૦૦૦ ભરી દેવાનો પણ આદેશ કરાયો હતો.
આ ચુકાદો સ્થાનિક મતદારો દ્વારા રજૂ કરાયેલા પુરાવાના આધારે અપાયો છે. મેટ્રોપોલિટન પોલીસે જણાવ્યું છે કે તેમણે ચુકાદાની નોંધ લીધી છે અને ૨૦૦ પાનાના રિપોર્ટ અંગે વિચારણા કરશે. ઉલ્લેખનીય છે કે, ગત એપ્રિલમાં પોલીસે પૂર્વ મેયર રહેમાન સામે ચૂંટણીમાં છેતરપીંડી અને ભ્રષ્ટાચારના આક્ષેપોની તપાસ કરી હતી, પરંતુ ક્રિમિનલ આચરણના કોઈ પૂરાવા સાંપડ્યા ન હતા. રહેમાનના પતનથી બરોમાં વિભાજનનો અંત આવે તેમ લાગતું નથી. રહેમાનનું નામ પણ મતદાર યાદીમાંથી દૂર કરાશે. ચુકાદા અંગે આઘાત દર્શાવતા રહેમાને જણાવ્યું હતું કે તેઓ ચુકાદાની સમીક્ષા માટે કાનૂની કાર્યવાહી કરશે. જો તેઓ ચુકાદાને પડકારશે તો પણ નવા મેયરની ચૂંટણીને અટકાવી શકશે નહિ.