લંડનઃ ક્રિસમસ અગાઉ લાખો પરિવારોને મળતાં સરકારી બેનિફિટ્સમાં કાપ મૂકવાની યોજના બાબતે ચાન્સેલર જ્યોર્જ ઓસ્બોર્ન તેમના કેબિનેટ સાથીઓનો વિરોધનો સામનો કરી રહ્યા છે. ચાન્સેલર જે રીતે પોતાના સુધારા આગળ વધારવા પ્રયાસ કરી રહ્યા છે તેની સામે ત્રણ કેબિનેટ મિનિસ્ટર, એક વરિષ્ઠ મિનિસ્ટર તેમ જ કન્ઝર્વેટિવ પાર્ટીના અનેક સલાહકારોએ ખાનગીમાં ગંભીર ચિંતા દર્શાવી છે.
આ મિનિસ્ટર્સ અને સલાહકારોએ ચેતવણી આપી છે કે ચાન્સેલર ઓસ્બોર્નની નીતિ કામ કરતા ગરીબોને દંડિત કરવાની હોય તેમ નિહાળાય છે અને પોલ-ટેક્સ સ્ટાઈલની ભૂલમાં પરિણમી શકે છે. આના પરિણામે, ‘અપ્રિય પક્ષ’ તરીકે ટોરીઓની છબી ભૂંસવામાં અનેક વર્ષોના પ્રયાસ નકામા નીવડી શકે છે. ટેક્સ ક્રેડિટ્સમાં સુધારાઓ બજેટની ખાધ નાબૂદ કરવાની ચાન્સેલર ઓસ્બોર્નની યોજનામાં નોંધપાત્ર ભૂમિકા ધરાવે છે. આ સુધારાના પરિણામે ૩.૩ મિલિયન પરિવારો આવતા વર્ષે સરેરાશ ૧,૩૦૦ પાઉન્ડના લાભ ગુમાવી શકે છે.