ટેનેરીફ ખાતે પતિ સાથે ફરવા ગયેલા હર્ષાબેન ગ્રીફીન (કોટેચા) નામના ૬૧ વર્ષના ગુજરાતી મહિલાનું ટેનેરાઇફ ખાતે અકસ્માતે પહાડ પરથી નીચે પડી જતા કરૂણ મોત નિપજ્યું હતું.
દૈનિક ટેલીગ્રાફના અહેવાલ મુજબ ગત તા. ૧૨-૫-૧૫ના રોજ હર્ષાબેન ગ્રીફન (કોટેચા) પોતાના પતિ ટેરી ગ્રીફીન સાથે સાંજના ૭ વાગ્યાના સુમારે મંગળવારે રોક ડેલ કોન્ડે પાથ પરથી પસાર થતા હતા ત્યારે અકસ્માતે નીચે ખીણમાં પડી ગયા હતા. બનાવ અંગે જાણ કરાતા હેલિકોપ્ટર મદદે આવી પહોંચ્યું હતું અને બચાવ ટીમે દોરડા વડે નીચે ઉતરી તેમની ભાળ મેળવી હતી. પરંતુ સારવાર મળે તે પહેલા હર્ષાબેનનું મરણ થયું હતું.
આ બનાવ અંગે ન્યાયી તપાસ આદરવામાં આવી છે. રોક ડેલ કોન્ડે અરોના નજીકનો સપાટ ટોચ ધરાવતો પહાડ છે. અકસ્માત થયો હતો તે રસ્તો ૪.૫ માઇલ લાંબો અને લોકપ્રિય રસ્તો છે. તેના પરથી જે કુદરતી દ્રશ્ય દેખાય છે તે અફલાતુન છે અને ત્યાંથી નજીકના 'લા ગોમેરા' અને 'લા પાલ્મા' દેખાય છે.
મળતી માહિતી મુજબ હર્ષાબેન ગ્રીફીન મૂળ યુગાન્ડાના મ્બાલેના વતની સ્વ. શ્રી તુલસીદાસ વી. કોટેચા અને શ્રીમતી રાધાબેન ટી. કોટેચાના દિકરી હતા. તેમના પતિનું નામ ટેરી ગ્રીફીન છે.
૦૦૦૦૦૦