લંડનઃ બ્રિટન પર રોમન આધિપત્ય સમયમાં નિર્માણ કરાયેલા ટેમ્પલ ઓફ મિથરાસને આઠ નવેમ્બરે લંડનની શેરીઓની નીચે નવસર્જિત કરવામાં આવ્યું છે. ઈસુ પછીની ત્રીજી સદીમાં રહસ્યપૂર્ણ સંપ્રદાયના રિવાજો અને બલિદાનો કરવામાં આવતા હતા તે ૧૮૦૦ વર્ષ અગાઉનું ટેમ્પલ મૂળ સ્થાનથી ૧૦ મીટર દૂર ફરી બાંધવામાં આવ્યું છે. સિટી ઓફ લંડનમાં બ્લૂમબર્ગની નવી ઈમારત નીચે રોમનકાળનો ઈતિહાસ જીવંત થશે.
આ પુનઃ સ્થાપિત મંદિર અને કળાના સેંકડો નમૂનાને પ્રદર્શિત કરવામાં આવનાર છે, જેને લોકો નિઃશુલ્ક નિહાળી શકશે. તે સમયના ઉચ્ચારણો અને લાઈટની ગોઠવણી જોવાં મળશે પરંતુ, પ્રાણીઓનાં બલિ અપાતા હતા તે જોઈ શકાશે નહિ.
લંડન નગર પર રોમન આધિપત્યના પ્રારંભિક કાળમાં વેપારીઓ અને સૈનિકો લોન્ડિનિયમ‘સ ટેમ્પલ ઓફ મિથરાસમાં નગ્ન થઈને વરાળસ્નાન લેતા હતા. મંદિરમાં મળી આવેલા નમૂનાઓ તે સમયના નાણાકીય વ્યવહારોની ઝાંખી કરાવે છે. દંતકથાઓમાં આખલાનો વધ કરનારાને સમર્પિત આ મંદિરમાં તત્કાલીન સંપ્રદાયના અનુયાયીઓ આવતા હતા.
ઈસુ પછીના આશરે ૨૪૦ વર્ષ પછી નિર્મિત આ મંદિરને સૌપ્રથમ ૧૯૫૦ના દાયકામાં શોધી કઢાયું હતું. જોકે, મીડિયા કંપનીએ આ સ્થળ પર કબજો મેળવ્યા પછી જ તેના પુનઃનિર્માણના સઘન પ્રયાસો કરવામાં આવ્યા હતા.