ટેરર એટેકઃ લોહીતરસ્યો ‘લોન વૂલ્ફ’ ખાલિદ મસૂદ

Friday 24th March 2017 10:45 EDT
 
 

લંડનઃ પાર્લામેન્ટ નજીક બુધવાર બપોરે થયેલા હુમલામાં પોલીસના હાથે ઠાર કરાયેલો લોહીતરસ્યો ૫૨ વર્ષીય આતંકવાદી ખાલિદ મસૂદ ઉર્ફ એડ્રીઆન એલ્મ્સ હોવાનું પોલીસે જાહેર કર્યું છે. આતંકવાદી સંગઠન ISISથી પ્રેરિત મસૂદ છૂરાબાજી સહિત હિંસક અપરાધી ઈતિહાસ ધરાવતો હતો અને ત્રણ વખત જેલમાં પણ ગયો હતો. તે એડ્રીઆન આજો અને ખાલિદ ચૌધરી સહિત પાંચ નામથી ઓળખાતો હતો. વેસ્ટમિન્સ્ટર ટેરર એટેકમાં પાચમા મૃતક ૭૫ વર્ષીય લેસ્લી રહોડ્સ હોવાનું પોલીસે ઘોષિત કર્યું છે. છેલ્લા ત્રણ વર્ષોમાં બ્રિટનની ગુપ્ચસર એજન્સીઓ ૧૨ આતંકવાદી હુમલાઓને નિષ્ફળ બનાવવામાં સફળ રહી છે પરંતુ ૧૩મો પ્રયાસ તેઓ અટકાવી શક્યા ન હતા.

કેન્ટના ડાર્ટફોર્ડમાં ૧૯૬૪ના ક્રિસમસ ડેના દિવસે એડ્રીઆન એલ્મ્સ નામે તેનો જન્મ થયો હતો. ૧૭ વર્ષની સિંગલ મધર જેનેટ એલ્મ્સે તેનો ઉછેર કર્યો હતો. બર્મિંગહામમાં રાત્રે કાળાં વસ્ત્રો પહેરી શેરીઓમાં ફરતો હોવાથી પડોશીઓ તેને ‘વેમ્પાયર’ પણ કહેવા લાગ્યાં હતાં. તે ઈસ્ટબોર્નમાં રહેવા ગયા પછી ગુનાના રવાડે ચડી ગયો હતો અને ત્રણ વખત જેલમાં પણ ગયો હતો. આવા એક જેલવાસ દરમિયાન તેણે ઈસ્લામ ધર્મ અંગીકાર કરી મુસ્લિમ મહિલા ફરઝાના મલિક સાથે ૨૦૦૪માં લગ્ન કર્યા હતા. તે ત્રણ સંતાનનો પિતા બન્યો હતો પરંતુ, લગ્નજીવન નિષ્ફળ જતા તેણે બ્રિટનના અનેક ત્રાસવાદી વિસ્તારોમાં વર્ષો ગાળ્યા હતા. તેના સીવી અનુસાર તેને સાઉદી અરેબિયામાં ઈંગ્લિશ શીખવવાની નોકરી પણ મળી હતી.

એક સમયે તે MI5ની નજર હેઠળ પણ આવી ગયો હતો પરંતુ તેને ખાસ જોખમી ગણવામાં આવ્યો ન હતો. તેની માતા ગ્રામ્ય વેસ્ટ વેલ્સના કાર્માર્થેનશાયરમાં પતિ સાથે રહે છે તેમજ હાથબનાવટની બેગ્સ અને કુશનનો ઓનલાઈન ધંધો કામ કરે છે અને હુમલા પછી પોલીસે ત્યાં છાપો પણ માર્યો હતો. તેના ભાઈઓએ ખાલિદ મસૂદને ઓળખતા હોવાનો જ ઈનકાર કર્યો હતો.

 

સ્કૂલબોય એડ્રીઆનથી ત્રાસવાદી ખાલિદ મસૂદ સુધીની સફર 

૧૯૬૪- કેન્ટના ડાર્ટફોર્ડમાં ૧૯૬૪ના ક્રિસમસ ડેના દિવસે જન્મ

૧૯૬૬- તેની સિંગલ મધર જેનેટ એલ્મ્સે વેસ્ટ સસેક્સના ક્રાઉલીમાં લગ્ન કર્યાં

૧૯૮૩- નવેમ્બરમાં પહેલી વખત સજા થઈ

૨૦૦૦- ગંભીર ઈજા કરવા બદલ બે વર્ષની સજા

૨૦૦૩- ચાકુ રાખવા બદલ છ મહિનાની સજા, ઈસ્લામ ધર્મ અપનાવ્યો

૨૦૦૪- જેલમાંથી છૂટી મુસ્લિમ ફરઝાના મલિક સાથે લગ્ન કર્યા

૨૦૦૫- સાઉદી અરેબિયામાં ઈંગ્લિશના શિક્ષક તરીકે નોકરી

૨૦૦૮થી ૨૦૦૯- સાઉદી અરેબિયાના જેદ્દાહમાં શિક્ષક તરીકે નોકરી

૨૦૦૯થી ૨૦૧૨- ખાલિદ મસૂદ નામ રાખ્યું અને લેંગ્વેજ સ્કૂલમાં કામ કર્યું

૨૦૧૨- બર્મિંગહામમાં પોતાની ટીચિંગ ફર્મ સ્થાપી

પાચમા મૃતક ૭૫ વર્ષીય લેસ્લી રહોડ્સ 

વેસ્ટમિન્સ્ટર ટેરર એટેકમાં પાચમા મૃતક ૭૫ વર્ષીય લેસ્લી રહોડ્સ હોવાનું પોલીસે ઘોષિત કર્યું છે. તેઓ લંડનના સ્ટ્રેધામના રહેવાસી હતા. બુધવારના હુમલામાં ગંભીરપણે ઈજા પામ્યા પછી હોસ્પિટલમાંમ તેમની સારવાર ચાલી રહી હતી અને ગુરુવારે રાત્રે તેમને લાઈફ સપોર્ટ પાછો ખેંચી લેવાયો હતો.

વેસ્ટમિન્સ્ટર બ્રિજ પર હ્યુન્ડાઈ કાર દ્વારા ૨૯ લોકોને કચડી નાખવાની ઘટના પછી ખાલિદ મસુદે પાર્લામેન્ટ ગેટ નજીક પોલીસ કોન્સ્ટેબલ કિથ પાલ્મરને ચાકુના ઘા મારી હત્યા કરી હતી. પોતાનાં બે બાળકોને મળવા જતી ૪૩ વર્ષીય માતા આયેશા ફ્રેડનું વેસ્ટમિન્સ્ટર બ્રિજ પર મોત નીપજ્યું હતું. યુએસએના ઉટાહના ૫૪ વર્ષીય પર્યટક કર્ટ કોચરન પણ બ્રિજ પરથી ફેંકાઈ જતા ગંભીર ઈજા સાથે હોસ્પિટલમાં લઈ જવાયાં હતા જ્યાં તેમનું મોત થયું હતું. આ કરુણાંતિકા સમયે કોચરન પત્ની મેલિસ્સા પાયને કોચરન સાથે ૨૫મી લગ્નતિથિ ઉજવવા લંડનમાં આવ્યા હતા. મેલ્લિસા પગ અને પાંસળાની તૂટી તૂટી જવાની ઈજા સાથે હજુ હોસ્પિટલમાં છે.

લોન વુલ્ફ ટેરરિઝમ બ્રિટનની સુરક્ષા એજન્સીઓ માટે ચિંતાજનક

છેલ્લા ત્રણ વર્ષોમાં બ્રિટનની ગુપ્ચસર એજન્સીઓ ૧૨ આતંકવાદી હુમલાઓને નિષ્ફળ બનાવવામાં સફળ રહી છે પરંતુ ૧૩મો પ્રયાસ તેઓ અટકાવી શક્યા ન હતા. વર્ષ ૨૦૦૫માં થયેલા લંડન હુમલા પછી ગુપ્તચર એજન્સીઓ સતત આતંકવાદી હુમલાના પ્રયાસ અંગે એલર્ટ જાહેર કરતી રહી હતી. પરંતુ ૨૨ માર્ચે આખરે, આતંકવાદી પોતાના મકસદમાં સફળ થયા હતા. એજન્સીઓને પ્રાથમિક તપાસમાં જણાયું છે કે આતંકવાદી હુમલો કરનારો એકલો હતો અને કોઈ નેટવર્ક સાથે જોડાયેલો ન હતો. જો કે જે રીતે હુમલો કરાયો તેનાથી તેમને એવી આશંકા છે કે હુમલાખોરે આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટમાંથી પ્રેરણા લઈને હુમલો કર્યો છે.

લોન વુલ્ફ એટેકર કોણ?

કોઈ સંગઠન સાથે ન જોડાયેલો એકલો આતંકવાદી જ્યારે આ પ્રકારના આતંકવાદી હુમલા કરે છે ત્યારે તે નુકસાન વધુ કરતો હોય છે. તેને લોન વુલ્ફ એટેકર કહેવાય છે. છેલ્લા પાંચ વર્ષમાં એકલો હુમલો કનારાઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. એક દાયકા પહેલાં લોન વુલ્ફ શબ્દ ભાગ્યે જ આજના જેટલો ચર્ચામાં રહ્યો છે. આ પ્રકારના હુમલા રોકવા મુશ્કેલ છે કેમ કે એવા લોકોને ઓળખવા મુશ્કેલ હોય છે. આ કારણથી આ પ્રકારનો આંતકવાદ વધુ ભયભીત કરનારો બની રહ્યો છે. આઇએસ જેવા સંગઠનો હુમલાખોરોના મગજમાં એટલી હદે નફરત પેદા કરે છે કે તે બધું જ ભૂલી જઈને બસ લોકોને મારી નાખવા માટે તત્પર થઈ જાય છે. આ પ્રકારના લોકોને સોશિયલ મિડિયા અને જોક્સથી પણ ભડકાવી શકાય છે. તેમના મગજને એ હદે બ્રેઈનવોશિંગ કરાય છે તે આત્મઘાતી હુમલાખોર બનવા તૈયાર થઈ જતો હોય છે.

આ દેશોની સંસદ પર આતંકવાદી હુમલા થયા

૧૩ ડિસેમ્બર ૨૦૦૧ઃ ભારતીય સંસદ પર લશ્કર અને જૈશ-એ મોહમ્મદના આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં ૧૨ લોકોનાં મોત થયા હતા, જ્યારે હુમલાખોર તમામ પાંચ આતંકવાદી ઠાર મરાયા હતા.

૨૨ ઓક્ટોબર ૨૦૧૪ઃ કેનેડામાં ઓટાવાસ્થિત કેનેડિયન સંસદ ભવર ઉપર એક અજ્ઞાત બંદૂકધારીએ હુમલો કર્યો હતો. હુમલામાં એક સુરક્ષાકર્મી સહિત બેના મોત થયા હતા. એક બંદૂકધારી આતંકવાદી પણ માર્યો ગયો હતો. હુમલો થયો ત્યારે મોટી સંખ્યામાં આતંકવાદીઓ તેમાં હાજર હતા.

૨૪ મે ૨૦૧૪ઃ સોમાલિયાની રાજધાની મોગાદિશુમાં સંસદ પર થયેલા આતંકવાદી હુમલામાં ૧૦ લોકોનાં મોત થયાં હતાં. જ્યારે હુમલો થયો ત્યારે સંસદમાં સાંસદોની બેઠક ચાલતી હતી.

૨૨ જુન ૨૦૧૫ઃ અફઘાનિસ્તાનની સંસદ પર ૭ આતંકવાદીએ હુમલો કર્યો હતો. સંસદમાં અને સંસદના પરિસરમાં ૯ વિસ્ફોટ થયા હતા. સુરક્ષા દળે તમામ આતંકવાદીઓને ઠાર માર્યા હતા.

૨૮ માર્ચ ૨૦૧૬ઃ કાબૂલના નવા સંસદભવન પર રોકેટથી હુમલો કરાયો હતો. સંસદ પર હુમલો અફઘાનિસ્તાનની સરકારને પડકાર ફેંકવા માટે કરાયો હતો. હુમલાના સમયે તમામ સાંસદ અંદર હતા. અફઘાનની સંસદ ભારતના સહયોગથી બની છે.

યુરોપમાં ૨૦૧૬માં મોટા આતંકવાદી હુમલા

• ૨૨ માર્ચ- બ્રસેલ્સ બેલ્જિયમ ૩૫ આઇએસનો આત્મઘાતી હુમલો

• ૧૫ જુલાઈ- નીસ- ફ્રાન્સ- ૮૮ આતંકવાદીએ ભીડ પર ટ્રક ચલાવી દીધો

• ૨૨ જુલાઈ- મ્યુનીખ જર્મની- ૯ આતંકીએ ગોળીબાર કર્યા.

• ૨૦ ડિસેમ્બર- બર્લિન જર્મની- બજારમાં ૧૨ લોકોને ટ્રક હેઠળ કચડી માર્યા

કેટલા લોન વુલ્ફ એટેક?

વર્ષ                    હુમલા

૧૯૫૦નો દાયકો          ૨

૧૯૬૦નો દાયકો          ૫

૧૯૭૦નો દાયકો          ૭

૧૯૮૦નો દાયકો           ૭

૧૯૯૦નો દાયકો          ૧૫

૨૦૦૦નો દાયકો          ૨૩

૨૦૧૦નો દાયકો         ૩૯થી વધુ

લંડનમાં આતંકવાદી હુમલા

૫ ડિસેમ્બર ૨૦૧૫ઃ આઈએસના પ્રભાવમાં આવેલા ટેક્ષી ડ્રાઇવરે એક પ્રવાસીનું માથું વાઢી નાંખવાનો પ્રયાસ કર્યો. આ ઘટના લંડનના અંડરગ્રાઉન્ડ લેટોન્સેટોન સ્ટેશન પર થઈ હતી. આ ઘટના પહેલાં બ્રિટિશ સંસદે એરફોર્સને આઈએસની છાવણી પર હવાઈ હુમલો કરવા મંજૂરી આપી હતી.

૨૨ મે ૨૦૧૩ઃ અલ કાયદાથી પ્રભાવિત અને બ્રિટનમાં જન્મેલા બે આતંકવાદીએ શહેરના ભીડભરેલા રસ્તા પર એક સૈનિક લિ રિગ્બીની હત્યા કરી

જૂન ૨૦૦૭ઃ બે લોકોએ ગ્લાસગો એરપોર્ટ પર ટર્મિનલ પર જીપ સાથે ઘૂસી જઈ તેને આગ ચાંપી હતી.

જુલાઈ ૨૦૦૫ઃ આ સદીના સૌથી મોટા આતંકવાદી હુમલામાં અલ કાયદાના ૪ આતંકવાદીએ ૩ અંડરગ્રાઉન્ડ ટ્રેનો અને એક બસ પર આત્મઘાતી હુમલો કર્યો હતો. આ હુમલામાં ૫૨ લોકોના મોત નીપજ્યાં હતા. જેમાં બ્રિટનમાં જન્મેલા ત્રણ પાકિસ્તાની હતા, જ્યારે એક જમૈકાનો રહેવાસી હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter