લંડનઃ ટેસ્કો બેંકે તેના ૨૦,૦૦૦ ખાતેદારોના ખાતામાંથી રકમની ઉઠાંતરી બાદ કરન્ટ ખાતાના ઓનલાઈન ટ્રાન્ઝેક્શન સ્થગિત કરી દીધા છે. ગ્રાહકોએ તેમના ખાતામાંથી મહત્તમ £૬૦૦ સુધીની રકમની ઉઠાંતરી થઈ હોવાનું જણાવ્યું હતું. બેંકે જેમના ખાતામાંથી નાણાંની ઉચાપત થઈ છે તેમને નાણાં પરત આપવાનું વચન આપ્યું છે. આ ઘટનાને લીધે ટેસ્કોના શેરોમાં ૩ ટકાનો કડાકો બોલાયો હતો જે FTSE 100પર સૌથી મોટો હતો.
સુપરમાર્કેટ ચેનની બેંકિંગ પાંખના ચીફ એક્ઝિક્યુટિવ બેની હિગીન્સે જણાવ્યું હતું કે કરન્ટ ખાતામાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શન્સ થઈ શકશે નહીં. પરંતુ, ખાતાધારકો રોકડ રકમ ઉપાડવા માટે તેમના કાર્ડનો ઉપયોગ કરી શકશે, ચીપ અને પીન પેમેન્ટ પણ કરી શકશે. તે સાથે જ હાલના તમામ બીલ પેમેન્ટ અને ડાયરેક્ટ ડેબિટ યથાવત રીતે થઈ શકશે.
તેમણે ઉમેર્યું હતું કે ‘ઓનલાઈન ગુનાઈત પ્રવૃત્તિ’ની ૪૦,૦૦૦ ખાતાને અસર થઈ હતી, જેમાંથી અડધા ખાતામાંથી કેટલીક રકમ ઉપાડી લેવાઈ હતી. સાત મિલિયન ગ્રાહકો ધરાવતી બેંકના ગ્રાહકોએ ફરિયાદ કરી હતી કે તેમના ખાતામાંથી નાણાં ઉપડી ગયા છે. જ્યારે કેટલાકે બેંક સાથે ફોનથી સંપર્ક ન થઈ શકતો હોવાનું જણાવ્યું હતું.
અન્ય બેંકો વ્યાજ દર ઘટાડી રહી છે ત્યારે ટેસ્કો બેંક £૩,૦૦૦ના બેલેન્સ પર ૩ ટકા વ્યાજ ચૂકવી રહી છે અને ગ્રાહકોને બે ખાતા રાખવાની મંજૂરી આપી છે.