લંડનઃ કટ્ટર જમણેરી જૂથ ઈંગ્લિશ ડિફેન્સ લીગ (EDL) સાથે મળી તેના બનાવટી દેખાવોનું આયોજન કરી મત હાંસલ કરવાના આક્ષેપોના પગલે અફઝલ અમીન કન્ઝર્વેટિવ પાર્ટીના ડડલી નોર્થ બેઠકના ઉમેદવાર પદેથી તત્કાળ ખસી ગયા છે. તેમણે ૪૦૦૦ મત મેળવી અપાય તો EDLને વેતન આપવાનું વચન આપ્યું હોવાનો પણ આક્ષેપ છે. અમીન સ્થાનિક મોટી મસ્જિદના વિરોધમાં ઉશ્કેરણીજનક દેખાવો કરવા અને તે પછી દેખાવો રદ કરવાની સંતલસ EDLસાથે કરતા હોય તેવું સ્ટિંગ ઓપરેશન બહાર આવ્યું હતું.
અમીને લગભગ સ્વીકારી લીધું છે કે ટોરી પાર્ટીમાંથી તેમની હકાલપટ્ટી કરાશે. જોકે, તેમણે બચાવમાં કહ્યું હતું કે EDLસાથે તેમની વાતચીત સંઘર્ષ નિવારણ અને શહેરમાં લોકો સલામતી અનુભવી શકે તે માટે વિશ્વાસ નિર્માણ પગલાંના હિસ્સારુપે હતી. પક્ષના સૂક્ષોએ કહ્યું હતું કે ડિસિપ્લીનરી સુનાવણીના આગલા દિવસે જ અમીને ડલી નોર્થ બેઠકના ઉમેદવાર પદેથી તત્કાળ રાજીનામું આપી દીધુ છે. કન્ઝર્વેટિવ પાર્ટીએ નવા ઉમેદવારની તત્કાળ નિમણુક કરવી પડશે. નવ એપ્રિલે નોમિનેશન્સ બંધ થાય તે પહેલા નવો ઉમેદવાર મેદાનમાં આવી જવો જોઈએ. પાર્ટીના ચેરમેન ગ્રાન્ટ શાપ્સે અમીનના નિર્ણને આવકારી તેમણે ભૂતકાળમાં પક્ષ માટે કરેલી કામગીગીરીનો આભાર માન્યો હતો.
અમીન EDLના દેખાવ સરઘસ માટે વાતચીત કરતા ફિલ્મ પર ઝડપાયા છે. આ કહેવાતા દેખાવો પાછાં ખેંચવા તેઓ EDLસાથે વાતચીત કરે તેવી વ્યવસ્થા પણ ગોઠવાયાનું કહેવાય છે.