લંડનઃ બિલિયોનેર ટોરી દાતા લોર્ડ એશ્ક્રોફ્ટની વિવાદાસ્પદ બાયોગ્રાફી ‘કોલ મી ડેવ’માં વડા પ્રધાન ડેવિડ કેમરનના ઉલ્લેખોએ સનસનાટી મચાવી છે તે જોતાં સરકારી સલાહકાર પદેથી તેમની હકાલપટ્ટી કરાય તેવાં અણસાર છે. લોર્ડ એશ્ક્રોફ્ટે બ્રિટિશ લશ્કર પરના નેતૃત્વ તેમ જ લિબિયા અને સીરિયાના યુદ્ધો સંદર્ભે વડા પ્રધાનની નિષ્ક્રિયતાની ભારે ટીકાઓ કરી છે. સંખ્યાબંધ આક્ષેપો કરનારા ટોરી દાતાએ સ્વીકાર્યું છે કે ૨૦૧૦ની ચૂંટણી પછી યોગ્ય હોદ્દો નહિ અપાતા તેઓ કેમરનથી નારાજ છે. બાયોગ્રાફીમાં ડેવિડ કેમરનના ડ્રગ્સ સાથેના સંબંધો અને ઓક્સફર્ડમાં અભ્યાસ દરમિયાન ઘૃણાસ્પદ પ્રવૃત્તિઓ, જ્યોર્જ ઓસ્બોર્નની સંભવિત હકાલપટ્ટી સહિતના આક્ષેપો મૂકાયા છે. આ પુસ્તકમાં કેમરનની વડા પ્રધાન પદ સુધીની યાત્રાનું વર્ણન કરાયું છે.
ડુક્કરના માથા સાથે બીભત્સ ચેનચાળાંનો દાવો
કેમરને પાયર્સ ગેવસ્ટોન ક્લબમાં પ્રવેશ લીધો ત્યારે વિચિત્ર દીક્ષાવિધિમાં તેમણે ડુક્કરના માથા સાથે બીભત્સ ચેનચાળાં કર્યા હોવાનો દાવો પણ પુસ્તકમાં કરાયો છે. જોકે, પુસ્તકના સહલેખક અને જર્નાલિસ્ટ ઈઝાબેલ ઓકેશોટે સ્વીકાર્યું હતું કે તેઓ આ ઘટના વિશે ખાતરી આપી શકતા નથી અને તેના મૂળ સુધી પહોંચી શક્યા નથી. બીજી તરફ, કેમરનના ખાસ મિત્રોએ આક્ષેપોનો છેદ ઉડાવતા કહ્યું છે કે કેમરન વિશિષ્ટ ઓક્સફર્ડ ક્લબના સભ્ય પણ ન હતા. ૧૦, ડાઉનિંગ સ્ટ્રીટે પણ આ દાવાઓ વિશે સત્તાવાર ટીપ્પણીનો ઈનકાર કર્યો છે.
લોર્ડ એશ્ક્રોફ્ટની નારાજગીનું કારણ
લોર્ડ એશ્ક્રોફ્ટે જણાવ્યું હતું કે ૨૦૧૦ની ચૂંટણી પહેલા કેમરને તેમને મિનિસ્ટરનું પદ આપવા વચન આપ્યું હતું, પરંતુ તે અપાયું ન હતું. નિક ક્લેગ નાયબ વડા પ્રધાન હતા ત્યારે તેમણે આ નિમણૂક ફગાવી દીધી હતી. જોકે, ક્લેગે બચાવમાં જણાવ્યું હતું કે તેમણે માઈકલ હોવાર્ડને યુરોપિયન કમિશનર બનાવવા સામે જ વાંધો ઉઠાવ્યો હતો. આ પુસ્તક વેર વાળવા લખાયું હોવાનો ઈઝાબેલ ઓકેશોટે ઈનકાર કરી કહ્યું હતું કે તેમ હોત તો સામાન્ય ચૂંટણી વખતે જ તેની પ્રસિદ્ધિ થઈ હોત. પુસ્તકમાં દાવો કરાયો છે કે લોર્ડ એશ્ક્રોફ્ટ હાઉસ ઓફ લોર્ડ્સમાં સામેલ થયા ત્યારે તેમણે ‘નોન ડોમ’ ટેક્સ દરજ્જો છોડ્યો ન હોવાની કેમરનને જાણ હતી. જોકે, ટોરી પાર્ટી અલગ જ કહે છે.
લિબિયા અને સીરિયા અંગે ભારે ટીકા
પુસ્તક અનુસાર પૂર્વ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ લોર્ડ રિચાર્ડ્સ ઓફ હર્સ્ટમોન્ક્યુ દ્વારા કેમરનને એમ કહેવાયું હતું કે એટનમાં કમ્બાઈન્ડ કેડેટ ફોર્સમાં હોવાનો મતલબ એ થતો નથી તેઓ લશ્કરી ઓપરેશન્સની વ્યૂહરચનાઓનો નિર્ણય કરવા સક્ષમ બની જાય. સીરિયા મુદ્દે વાટાઘાટોમાંથી બહાર રખાવા અંગે જનરલ લોર્ડ રિચાર્ડ્સ ઉશ્કેરાયા હતા.
કેમરનની ગર્લફ્રેન્ડ સાધ્વી બની ગઈ
કેમરનની પૂર્વ ગર્લફ્રેન્ડ લૌરા એડશીડ તેમના સંબંધોનો અચાનક આવતા અમેરિકા ચાલી ગઈ હતી અને સાધ્વી બની હતી. આજે તે સિસ્ટર જ્હોન મેરી નામથી ઓલખાય છે. કન્ઝર્વેટિવ પાર્ટી હેડક્વાર્ટરમાં સંશોધક લૌરા સાથે કેમરનનું ૧૯૯૦-૯૧માં ડેટિંગ ચાલતું હતું. લૌરાને ડ્રિન્ક્સ અને ડ્રગ્સનું બંધાણ હોવાનો દાવો પણ પુસ્તકમાં કરાયો છે.