લંડનઃ હેરો કાઉન્સિલના કાઉન્સિલ ટેક્સ પરની ચર્ચામાં લંડનના સૌથી યુવાન કાઉન્સિલરોમાંના એક ટોરી કાઉન્સિલર અમીત જોગિઆએ હૃદયસ્પર્શી પ્રવચન કરીને સહુને વિચારતા કરી દીધા હતા. જોગિઆના પ્રથમ પ્રવચને કાઉન્સિલના ઈતિહાસમાં શ્રેષ્ઠ પ્રથમ પ્રવચનોમાં સ્થાન મેળવ્યું છે.
કાઉન્સિલર અમીત જોગિઆ ગયા વર્ષના મે મહિનામાં હેરોના કોઈ પણ કાઉન્સિલર કરતા વધુ મત મેળવી ચૂંટાઈ આવ્યા હતા. તેમણે પોતાના પ્રથમ પ્રવચનમાં ૧૯૯૦માં ઘરવિહોણા બાળક તરીકેના અનુભવ અને હેરો કાઉન્સિલે તેમને અને તેમના પરિવારને પગભર થવા કરેલી મદદનો ઉલ્લેખ કર્યો હતો. વંચિતોને મદદ કરવાના પ્રયાસો બદલ લેબર પાર્ટીના પણ વખાણ કરવા સાથે કાઉન્સિલર જોગિઆએ તેઓ શા માટે કન્ઝર્વેટિવ બન્યા તે પણ સમજાવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે,‘ હું લોકોના શ્રેષ્ઠ સશક્તિકરણમાં અને તેઓ પોતાના પગ પર ઉભાં થઈ શકે તેમાં માનું છું. મારે તમારી દયા જોઈએ છે તે કારણે હું મારી વાત તમને કરતો નથી. પરંતુ ગરીબ હોવું શું છે તે નહિ સમજતા વધુ એક જમણેરી તરીકે મને કોરાણે મૂકી દેવાય તેમ હું ઈચ્છતો નથી.’
અમીત જોગિઆ કન્ઝર્વેટિવ પાર્ટીના ઉભરતા સિતારા છે અને પક્ષમાં ‘ટોરી બ્લુ આઈડ બોય’ તરીકે તેમનો ઉલ્લેખ કરાય છે. પક્ષના સક્રિય કાર્યકર તરીકે તેઓ પ્રખ્યાત છે. કન્ઝર્વેટિવ પાર્ટીના ઉમેદવારોની યાદીમાં ઉમેદવાર તરીકે તેમને માન્યતા મળી જ ગઈ છે અને ભવિષ્યમાં તેઓ પાર્લામેન્ટના સભ્યપદે ઉમેદવાર બની શકે છે.
ચર્ચા પછી કાઉન્સિલર જોગિઆએ ‘ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ’ને જણાવ્યું હતું કે,‘વંચિત હોવાના કારણે લોકોનો ઉલ્લેખ ગરીબ અને ઘરવિહોણાં તરીકે થતો રહે છે. હું મારા પ્રથમ પ્રવચનમાં મારી વાતનો ઉપયોગ એવી આશા સાથે કરવા ઈચ્છતો હતો, જેથી વધુ યુવાનોને રાજકીય પ્રક્રિયામાં સામેલ થવાનું પ્રોત્સાહન મળે અને તેમનું સશક્તિકરણ થાય.’