લંડનઃ કન્ઝર્વેટિવ પાર્ટી વંશીય લઘુમતી મતદારોને આકર્ષવામાં હજુ નિષ્ફળ જ રહી છે.તાજા સર્વે અનુસાર બહુસાંસ્કૃતિક બ્રિટનના મોટા ભાગના વિસ્તારોમાં ટોરીઝ હજુ લેબર પાર્ટીથી ઘણાં પાછળ જ છે. ગત ચૂંટણી પછી પણ આ મુદ્દે તેમણે કોઈ પ્રગતિ સાધી નથી. ૪૨૦૦ વંશીય લઘુમતી મતદારોના અભ્યાસમાં જણાયું છે કે લેબર પાર્ટી બાંગલાદેશ બ્રિટન્સ અને પાકિસ્તાની બ્રિટન્સમાં અનુક્રમે ૬૪ અને ૫૬ પોઈન્ટ આગળ છે. બ્રિટનમાં ૧૪ લાખ બ્રિટિશ ભારતીયો સૌથી મોટું વંશીય જૂથ છે. આમાં પણ લેબર પાર્ટી સૌથી આગળ છે. જોકે, ટોરી પાર્ટીએ ૨૦૧૦ પછી ભારતીયોનાં સમર્થનમાં એક ટકાનો વધારો હાંસલ કર્યો છે. બ્રિટિશ ફ્યુચરના અભ્યાસ મુજબ ૨૦૧૦માં ટોરી પાર્ટીને બહુમતી મેળવવામાં વંશીય લઘુમતીના મત જ નડ્યા હતા. માત્ર ૧૬ ટકાએ ટોરીઝને સપોર્ટ કર્યો હતો. પૂર્વ ટોરી ચેરમેન બેરોનેસ વારસીએ પણ બળાપો વ્યક્ત કર્યો છે કે સરકારે મુસ્લિમો સાથે યોગ્ય સંપર્ક રાખ્યો ન હોવાથી રોષ અને અવિશ્વાસની લાગણી છે.