લંડનઃ મધ્ય ઈંગ્લેન્ડના મતદારોએ કન્ઝર્વેટિવ અને ડેવિડ કેમરનને સામાન્ય ચૂંટણીમાં ખોબલો ભરીને મત આપવાના કારણે તેમના ત્રણ મુખ્ય પ્રતિસ્પર્ધીઓને રાજીનામાં આપવાની ફરજ પડી છે. કન્ઝર્વેટિવ પાર્ટીએ તમામ આગાહીને ખોટી પાડી ૨૩ વર્ષમાં પ્રથમ વખત સ્પષ્ટ બહુમતી પ્રાપ્ત કરવામાં સફળતા મેળવી છે.
અનિશ્ચિત ન્યૂનટોન, સ્વીન્ડન અને ટેલફોર્ડ બેઠકોના મતદારોએ સત્તા મેળવવા લેબર પાર્ટીના ડાબેરી ઝોકને ફગાવી દીધો હતો અને સમગ્ર દેશમાં લિબરલ ડેમોક્રેટ્સને ૮ અને Ukipને માત્ર ૧ સાંસદ આપ્યા હતા. મધ્ય ઈંગ્લેન્ડની બેઠકો પર જીતવું લેબર પાર્ટી માટે મહત્ત્વનું હતું, પરંતુ સાઉધમ્પ્ટન ઈચેન, વેલ ઓફ ક્લીડ તેમજ મોર્લી એન્ડ આઉટવૂડ બેઠકો પણ ટોરી પાર્ટીએ ખૂંચવી લીધી હતી.
લાંબા સમયથી લિબરલ ડેમોક્રેટ્સનો ગઢ રહેલા વેસ્ટ કન્ટ્રીમાં પણ તમામ બેઠકો જીતીને ટોરીઝે બ્લુ રંગ ફેરવી દીધો હતો. કેમરને આ વિજય ‘સૌથી મીઠા વિજય’ તરીકે ગણાવ્યો છે. તેઓ સત્તા પર સંપૂર્ણ મુદત પછી પક્ષનો મતહિસ્સો અને બેઠકોની સંખ્યા વધારનાર પ્રથમ વડા પ્રધાન બન્યા છે.
રાષ્ટ્રીય મતોમાં ટોરી પાર્ટીને ૩૭ ટકાનો, લેબર પાર્ટીને ૩૧ ટકા, Ukipને ૧૩ ટકા, લિબરલ ડેમોક્રેટ્સને ૮ ટકા, SNPને ૫ ટકા, ગ્રીન પાર્ટીને ૪ ટકા અને પ્લેઈડ સીમરુને ૧ ટકા હિસ્સો મળ્યો છે. ટોરી સ્ટ્રટેજીસ્ટોએ કહ્યું હતું કે અર્થતંત્ર અંગે વિશ્વાસ આપવામાં લેબર પાર્ટીની નિષ્ફળતાએ મધ્ય ઈંગ્લેન્ડમાં લાખો મતદારોનો ઝોક બદલી નાખ્યો હતો. આ ઉપરાંત, SNPના ટેકા સાથે નબળી લેબર સરકારની શક્યતાથી તેઓ ચિંતિત પણ હતાં.